Vadodara News: વડોદરાવાસીઓ માટે ગર્વ અને રોમાંચથી ભરેલો એક અવિસ્મરણીય માહોલ જોવા મળ્યો હતો, જ્યારે શહેરના એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેનાની અતિ પ્રખ્યાત ૧૧ સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની ઐતિહાસિક ઉજવણી નિમિત્તે એક ભવ્ય હવાઈ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચાર દિવસીય ભવ્ય કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાની ગૌરવવંતી 'સારંગ' હેલિકોપ્ટર એરોબેટિક ડિસ્પ્લે ટીમે વડોદરાના આકાશમાં પોતાના અસાધારણ કૌશલ્ય અને જોખમી કરતબોનું અદભુત પ્રદર્શન કરી સૌના શ્વાસ થંભાવી દીધા હતા.

એરોબેટિક્સનો અનુભવ પ્રથમવાર અવિસ્મરણીય બની રહ્યો
આ ભવ્ય આયોજનમાં સારંગ ટીમના અત્યંત કુશળ અને નિડર પાઇલટોએ પોતાની અદ્ભુત એકતા, ઉચ્ચ કક્ષાની હવાઈ ચોકસાઈ અને બેજોડ શિસ્તના બળે આકાશમાં મનમોહક આકૃતિઓ રજૂ કરી હતી. હેલિકોપ્ટરો દ્વારા એકસાથે ઉપર તરફ ઉડાન ભરવી, આકાશમાં કળાબાજી કરવી અને અદભુત ફોર્મેશન બનાવવાના દ્રશ્યોએ ઉપસ્થિત હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડોદરાવાસીઓ માટે આ પ્રકારનો અદ્ભુત અને રોમાંચક એરોબેટિક્સનો અનુભવ પ્રથમવાર અવિસ્મરણીય બની રહ્યો હતો.

'સારંગ' ટીમ વિશિષ્ટ ઓળખ અને કુશળતા માટે જાણીતી
ઉલ્લેખનીય છે કે, 'સારંગ' ટીમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વભરમાં પોતાની વિશિષ્ટ ઓળખ અને કુશળતા માટે જાણીતી છે. વાયુસેનાની 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની આ ઉજવણી માત્ર એક ઉત્સવ નહોતો, પરંતુ ભારતીય વાયુસેનાની ક્ષમતા, ટેક્નોલોજી અને જવાનોના સાહસનું જીવંત પ્રદર્શન હતું. વડોદરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા આ ભવ્ય હવાઈ શોએ શહેરમાં દેશભક્તિનો અદ્ભુત માહોલ ઊભો કર્યો હતો અને ઉપસ્થિત સૌકોઈએ વાયુસેનાના શૌરા્યને વધાવ્યું હતું.
