Vadodara News: વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. નશાની હાલતમાં ધૂત એક કારચાલકે પોતાની ફોર-વ્હીલર પૂરપાટ ઝડપે હંકારીને રાજવી ટાવરથી તાંદલજા તરફ જતાં માર્ગ પર ત્રણ નિર્દોષ રાહદારીઓને અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે રસ્તે જતાં લોકો કંઈ સમજે તે પહેલાં જ કારચાલકે તેઓને જોરદાર ટક્કર મારી દીધી હતી.
અમેરિકાથી આવેલા NRI દંપતી ઈજાગ્રસ્ત
આ પણ વાંચો
આ અકસ્માતમાં ભોગ બનેલા લોકોમાં અમેરિકા થી વડોદરા મુલાકાતે આવેલું એક એનઆરઆઈ દંપતી પણ સામેલ હતું. કારની ટક્કર વાગતાં જ દંપતી સહિત ત્રણેય લોકો રસ્તા પર પટકાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયો હોવાની જાણ થતાં આસપાસના સ્થાનિક રહીશો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ઉશ્કેરાયેલા ટોળાએ ચાલકને સ્થળ પર જ પાઠ ભણાવ્યો
નશામાં ધૂત ચાલકની બેદરકારીના કારણે સર્જાયેલા આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. ઘટનાસ્થળે એકત્ર થયેલા રોષે ભરાયેલા લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી અને અકસ્માત સર્જનાર ચાલકને બહાર ખેંચી કાઢીને સ્થળ પર જ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
પોલીસે કારચાલક વૈભવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી
ઘટના અંગેની માહિતી મળતાં જ જેપી રોડ પોલીસ મથકનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવી આરોપી કારચાલકને ટોળામાંથી ઉગારીને કોર્ડન કરી લીધો હતો. પોલીસ તપાસમાં કારચાલકનું નામ વૈભવરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા હોવાનું ખુલ્યું હતું અને તે ભારે નશાની હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જ્યારે તેની પાસે કેફી પીણું પીવા માટેનું કાયદેસરનું પરમિટ માગ્યું ત્યારે તે કોઈ આધાર-પુરાવા રજૂ કરી શક્યો નહોતો. જેપી રોડ પોલીસે અકસ્માત સર્જનાર કાર કબજે લઈને આરોપી વૈભવરાજસિંહ સામે પ્રોહિબિશન અને બેદરકારીપૂર્વક વાહન હંકારવા અંગેનો ગુનો નોંધી તેની અટકાયત કરી છે. આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
