Vadodara News: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન હંકારવાની ઘાતક ઘટના સામે આવી છે. ગામના મંદિર ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધને રિવર્સમાં દોડતી એક કારે અડફેટે લેતા તેમનું સ્થળ પર જ ગંભીર ઇજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર ગામમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પૂરઝડપે રિવર્સમાં આવતી કારે ટક્કર મારી
આ પણ વાંચો
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, તરસવા ગામે રહેતા 65 વર્ષીય ચંદ્રકાંતભાઈ વિઠ્ઠલભાઈ પરમાર ગામનથી ભાગોળેથી ચાલીને ઘર તરફ જઇ રહ્યાં હતા. જે દરમિયાન એક ઇકો કાર ચાલકે બેદરકારીપૂર્વક રિવર્સમાં કાર ચલાવી હતી અને તેમને ટક્કર મારી હતી. પૂરઝડપે રિવર્સમાં આવેલી કારની ટક્કરથી વૃદ્ધ ચંદ્રકાંતભાઇ નીચે પટકાયા હતા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મૃતકના પુત્રએ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
કારની ટક્કરથી ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક ચંદ્રકાંતભાઇના પુત્ર વસંત પરમાર દ્વારા સમગ્ર મામલે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિજય ભારતભાઇ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
