Vadodara: અકોટા જૈન દેરાસરમાંથી ચોરાયેલી 540 વર્ષ જૂની સુમતિનાથ ભગવાનની પૌરાણિક મૂર્તિ માત્ર 12 દિવસમાં જ રિકવર

આરોપીઓ વડોદરામાં સેન્ટીંગ મજૂરીનું કામ કરવાના બહાને જે-તે વિસ્તારની રેકી કરતા હતા અને લાગ જોઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Jun 2026 12:01 AM (IST)Updated: Fri, 05 Jun 2026 12:01 AM (IST)
vadodara-540-year-old-mythological-idol-of-lord-sumati-nath-stolen-from-akota-jain-temple-recovered
HIGHLIGHTS
  • વડોદરા ક્રાઈમ બ્રાન્ચે CCTV ફૂટેજની મદદથી દાહોદના 3 તસ્કરોને દબોચ્યા
  • પૌરાણિક મૂર્તિ પરત મળતા જૈન સમાજને હાશ, પોલીસની કામગીરીને બિરદાવી

પ્રશાંત ગજ્જર, Vadodara: વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાંથી 540 વર્ષ જૂની અત્યંત કિંમતી અને પૌરાણિક સુમતિનાથ ભગવાનની મૂર્તિ ચોરી થવાની ઘટનાએ સમગ્ર જૈન સમાજ અને શહેરમાં ભારે ચકચાર જગાવી હતી.

શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ પૌરાણિક મૂર્તિની ચોરીના પગલે જૈન સમાજમાં ઘેરી ચિંતાની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે, વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ મામલાને ગંભીરતાથી લઈને ગણતરીના દિવસોમાં જ આંતર-જિલ્લા ચોર ટોળકીને દબોચી લઈ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે.

ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઓપરેશન સફળ

અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ હાઈપ્રોફાઈલ ગુનાની તપાસ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ દેરાસરની આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ (બાતમીદારો)નું મજબૂત નેટવર્ક સક્રિય કર્યું હતું.

સતત 12 દિવસની રાત-દિવસની સખત મહેનત અને ચોક્કસ કડીઓ મેળવ્યા બાદ, પોલીસે આખરે મૂર્તિ ચોરનારા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરાયેલી પૌરાણિક અને પવિત્ર મૂર્તિ સંપૂર્ણપણે સુરક્ષિત રીતે રિકવર કરી લેવામાં આવી છે.

સેન્ટીંગ કામના બહાને રેકી કરીને ચોરીને અંજામ આપ્યો

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના વતની છે. આ આરોપીઓ વડોદરા શહેરમાં સેન્ટીંગ (બાંધકામ ક્ષેત્રે મકાનનું ચોકઠું ગોઠવવાનું કામ) મજૂરી અર્થે આવ્યા હતા. કામના બહાને તેઓ જે-તે વિસ્તારની રેકી કરતા હતા અને મોકો જોઈને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. અકોટા જૈન દેરાસરમાં પણ તેઓએ આ જ રીતે કિંમતી મૂર્તિની ચોરીનું આયોજન કર્યું હોવાનું બહાર આવ્યું છે.

જૈન સમાજમાં રાહત, વધુ ખુલાસાની શક્યતા

આ સફળ ઓપરેશન અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ એસીપી (ACP) ડી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, આ મૂર્તિ ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની હતી. અમારી ટીમે માત્ર 12 દિવસની અંદર જ આ કેસ ઉકેલીને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૂર્તિ સુરક્ષિત છે."

ભગવાન સુમતિનાથની મૂર્તિ પરત મળી આવતા જૈન સમાજે ભારે રાહતનો શ્વાસ લીધો છે અને વડોદરા પોલીસની આ ત્વરિત કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.