Vadodara: ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં દેશભક્તિની છાપ: ‘ઓપરેશન સિંદૂર’ અને 'PM મોદી' પતંગ હોટ ફેવરિટ

આ વર્ષે કમોસમી વરસાદના કારણે કાગળની આવક ઓછી થઈ છે, માટે કાગળની પતંગમાં 20થી 30 ટકા જેટલો વધારો છે. છતાં લોકોનો ઉત્સાહ યથાવત છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Jan 2026 03:36 PM (IST)Updated: Mon, 05 Jan 2026 03:37 PM (IST)
uttarayan-operation-sindoor-and-pm-modi-themed-kites-are-favorites-in-kite-market
HIGHLIGHTS
  • ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં દેશભક્તિની છાપ રહી
  • ‘ઓપરેશન સિંદૂર’ અને 'PM મોદી' પતંગ હોટ ફેવરિટ
  • વરસાદના કારણે કાગળની આવક ઓછી, ભાવ વધ્યા

Makar Sankranti 2026: મકરસંક્રાંતિ આડે હવે ગણતરીના દિવસો બાકી રહેતા શહેરના પતંગ બજારમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. માંડવીથી ગેન્ડી ગેટ દરવાજા સુધી ફેલાયેલા પતંગ બજારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે.

‘ઓપરેશન સિંદૂર’ અને 'PM મોદી' પતંગ હોટ ફેવરિટ

આ વર્ષે પતંગ બજારમાં નવી અને ચર્ચાસ્પદ થીમોએ ખાસ આકર્ષણ ઊભું કર્યું છે, જેમાં ‘ઓપરેશન સિંદૂર’, સોફિયા કુરેશી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબીવાળી પતંગો મુખ્ય આકર્ષણ બની છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ વર્ષે ખાસ કરીને ઓપરેશન સિંદૂર થીમવાળી પતંગોનો ઉપાડ સૌથી વધુ રહ્યો છે. 

થીમવાળી પતંગો ખરીદવા પડાપડી, સ્ટોક ખૂટ્યો

શરૂઆતના દિવસોમાં જ આ પતંગોનું વેચાણ એટલું વધ્યું કે હાલ આ પતંગો લગભગ બજારમાંથી ખૂટી ગઈ છે. છતાં પણ ગ્રાહકો હજુ પણ આ પતંગોની પૂછપરછ કરી રહ્યા છે, જે આ થીમની લોકપ્રિયતા દર્શાવે છે. પીએમ મોદીની તસવીરવાળી પતંગો પણ દેશભક્તિના ભાવને ઉજાગર કરતી હોવાથી યુવાનો અને બાળકોમાં ખાસ પસંદગી બની છે.

naidunia_image

કાગળના પતંગમાં ભાવ વધારો, ઉત્સાહ યથાવત

વધુ વરસાદના કારણે આ વર્ષે કમળી કાગળની આવક ઓછી રહી છે, જેના પરિણામે પતંગોના ભાવમાં અંદાજે 20 થી 30 ટકા સુધીનો વધારો નોંધાયો છે. તેમ છતાં પતંગ રસિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. લોકો પરિવાર સાથે બજારમાં આવીને મનપસંદ પતંગો અને દોરાની ખરીદી કરી રહ્યા છે.

ભગવાનને ચઢાવવા માટેની વિશેષ પતંગનું વેચાણ

પતંગ બજારમાં પતંગ અને દોરા ઉપરાંત હાથમાં બાંધવાની રંગીન પટ્ટીઓ, પીપોડી, માથે પહેરવાની પટ્ટી તેમજ ભગવાનને ચઢાવવા માટેની વિશેષ પતંગોનું પણ વેચાણ થઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે આ સામગ્રીના ભાવ મોટાભાગે ગયા વર્ષ જેટલા જ રાખવામાં આવ્યા છે, જેથી ગ્રાહકોને રાહત મળી છે. આમ, ભાવ વધારો હોવા છતાં પતંગ બજારમાં ઉત્સાહ અને રોનક યથાવત છે. 

naidunia_image

ગ્રાહકોને આકર્ષવા કંપનીઓ દ્વારા વિવિધ સ્કીમ

ખંભાતની દોરી અને ચરખા બનાવતી કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમ આપવામાં આવી રહી છે. તેજશ કંપનીએ જાહેરાત કરી છે કે જો દોરો ખરાબ નીકળે અથવા ઓછો નીકળે તો 17 તારીખે ડબલ રૂપિયા પરત આપવામાં આવશે. વેપારીઓને આશા છે કે 4 તારીખ પછી ઘરાકી વધુ ખુલશે અને મકરસંક્રાંતિ સુધી પતંગ બજાર સંપૂર્ણ રીતે ખીલી ઉઠશે.