Bank strike: આજે બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, વડોદરામાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન; જાણો શું છે માંગ

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના (UFBU) આહ્વાન પર બેંક કર્મચારીઓ આજે 27 જાન્યુઆરીએ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Jan 2026 03:53 PM (IST)Updated: Tue, 27 Jan 2026 03:53 PM (IST)
ufbu-nationwide-bank-strike-employees-five-day-workweek-demand-vadodara-protests
HIGHLIGHTS
  • બેંક કર્મચારીઓ એક દિવસની હડતાળ પર ઉતર્યા
  • UFBU દ્વારા આજે બેંકમાં દેશવ્યાપી હડતાળ કરી
  • પાંચ દિવસીય કામકાજની માંગ, આંદોલનની ચીમકી

Bank employees nationwide strike: યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના (UFBU) આહ્વાન પર બેંક કર્મચારીઓ આજે 27 જાન્યુઆરીએ એક દિવસની હડતાળ પર ઉતર્યા છે. લાંબા સમયથી પડતર રહેલી પાંચ દિવસીય કામકાજની માંગને લઈને દેશવ્યાપી હડતાળનું આયોજન કર્યું હતું.

વડોદરામાં બેંકકર્મીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેંકોના કર્મચારીઓ જોડાયા હતા. તેની અસર વડોદરા શહેરમાં પણ જોવા મળી હતી. શહેરની આરાધના સિનેમા સામે આવેલા સલાટવાળા ચાર રસ્તા પાસે બેંક ઓફ બરોડાની શાખા બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા હતા, અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

બેંકોના કર્મચારીઓ શું છે માંગ? 

UFBU ની મુખ્ય માંગ છે કે બેંકોમાં અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને બે દિવસ રજા આપવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. યુનિયનના નેતાઓએ જણાવ્યું હતું કે, માર્ચ 2024માં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન સાથે થયેલી વેતન સંશોધન સંધિમાં તમામ શનિવારે રજા આપવાની સહમતી થઈ હતી. પરંતુ તે આજદિન સુધી અમલમાં આવી નથી. આ વિલંબથી નારાજ થઈ બેંક કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

naidunia_image

યુનિયનનું સ્પષ્ટ કહેવું છે કે, પાંચ દિવસીય કામકાજની વ્યવસ્થા લાગુ કરવામાં આવે તો કામના કુલ કલાકમાં કોઈ ઘટાડો થવાનો નથી. કર્મચારીઓ સોમવારથી શુક્રવાર સુધી રોજ અંદાજે 40 મિનિટ વધુ કામ કરવા તૈયાર છે, જેથી અઠવાડિયાના કુલ કાર્ય સમયમાં કોઈ ફરક ન પડે. આ બાબતે પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હોવા છતાં છેલ્લા બે વર્ષથી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી, જેનાથી કર્મચારીઓમાં ભારે અસંતોષ છે.

હડતાળમાં આ બેંકો જોડાઈ

આ હડતાળમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, પંજાબ એન્ડ સિંધ બેંક સહિત તમામ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ જોડાયા હતા.

ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

વડોદરા શહેરમાં UFBU ના કન્વીનર ડી.એલ. વ્યાસની આગેવાની હેઠળ બેંક કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી સરકાર સામે પોતાની માંગ મજબૂત રીતે રજૂ કરી હતી. સાથે જ ચેતવણી આપવામાં આવી કે જો ટૂંક સમયમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.