પ્રશાંત ગજ્જર, Sweety Patel Murder Case: વડોદરાના ચકચારી અને બહુચર્ચિત સ્વીટી પટેલ હત્યા કેસમાં કરજણ કોર્ટે એક મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો છે.
વર્ષ 2021માં બનેલી આ ઘટનામાં કોર્ટે મુખ્ય આરોપી અને તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર (PI) અજય દેસાઈને દોષિત ઠેરવતા આજીવન કેદની સજા ફટકારી છે, જ્યારે મૃતદેહના નિકાલમાં સહાય કરવાના ગુનામાં કિરીટસિંહ જાડેજાને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
આ કેસની શરૂઆત 5 જૂન, 2021ના રોજ સ્વીટી પટેલ કરજણ સ્થિત પોતાના નિવાસસ્થાનેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયાની સામાન્ય ફરિયાદથી થઈ હતી. જો કે મામલો ગંભીર બનતા તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત ATSને સોંપવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કરજણ સ્થિત ઘરના બાથરૂમમાંથી લોહીના નિશાન મળી આવ્યા હતા, જેણે સમગ્ર કેસને નવો વળાંક આપ્યો હતો.
આ પણ વાંચો
4 જૂન 2021ના રોજ ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવીને હત્યા કરાઈ હતી
તપાસમાં ખૂલાસો થયો હતો કે, અજય દેસાઈ અને સ્વીટી પટેલ વચ્ચે સંબંધો હતા અને બંનેને એક પુત્ર પણ હતો. અજય દેસાઈએ અન્ય મહિલા સાથે લગ્ન કર્યા બાદ બંને વચ્ચે તકરાર વધી હતી. 4 જૂનની રાત્રે ઊંઘમાં જ સ્વીટીનું ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.
હત્યા બાદ આરોપીએ મૃતદેહને પોતાની કારની ડિકીમાં મૂકીને ભરૂચ જિલ્લાના અટાલી ગામ નજીક લઈ જઈને સળગાવી દીધો હતો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળેથી સળગેલા હાડકાં, મંગળસૂત્ર અને અન્ય અવશેષો મળી આવ્યા હતા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 1290 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં 1290 પાનાની દળદાર ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં 100થી વધુ સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા. એક જવાબદાર પોલીસ અધિકારી હોવા છતાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યાની આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી હતી. લાંબી ન્યાયિક લડાઈ અને મજબૂત પુરાવાઓના આધારે કરજણ કોર્ટે આરોપીઓને સજા ફટકારી ન્યાય સુનિશ્ચિત કર્યો છે.
