વડોદરાના જરોદ પાસે કન્ટેનરની પાછળ ઘૂસી જતા એસયુવીનો કચ્ચરઘાણ, 8 વર્ષીય બાળક સહિત 4ના ઘટનાસ્થળે મોત

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 14 Dec 2022 01:32 PM (IST)Updated: Wed 14 Dec 2022 01:32 PM (IST)
suv-crashes-into-container-near-jarod-in-vadodara-4-die-on-the-spot-including-an-8-year-old-child

Car Accident in Jarod: વડોદરા જિલ્લાના જરોદ (Jarod - Village in Gujarat) પાસે કન્ટેનરની પાછળ ઘૂસી જતા એસયુવી કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. આ અકસ્માતમાં 8 વર્ષીય બાળક સહિત ચારના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. મૃતકોમાં બાળક ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ છે. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા-હાલોલ હાઇવેને અડીને આવેલા જરોદ પાસે આજે વહેલી સવારે સુરત પાર્સિંગની એસયુવી કાર હાલોલથી વડોદરા તરફ આવી રહી હતી. જે દરમિયાન પાર્કિંગ એરિયામાં પાર્ક કરવામાં આવલા કન્ટેનર સાથે આ એસયુવી કાર પાછળની તરફ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર લોકોની ચિંચયારીથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.

અકસ્માતની જાણ થતાંજ આસપાસા લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અકસ્માતનો ભોગ બનેલા લોકોને બચાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ગંભીર અકસ્માતના પગલે 8 વર્ષના માસુમ બાળક સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

પોલીસની પ્રાથિમક તપાસમાં જાણવા મળ્યું છેકે, કારમાં સવાર પરિવાર મૂળ રાજસ્થાનનો હતો અને સુરતના પલસાણામાં છેલ્લા કેટલાક સમયથી રહી રહ્યાં હતા. આ પરિવાર ઉજ્જૈન દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે ગયા હતા. પાવાગઢથી તેઓ સુરત પરત ફરી રહ્યાં હતા એ સમયે આ બનાવ બન્યો હતો.

મૃતકોના નામ
રઘાજી કિશોરજી કલાલ (ઉ.65)
રોશન રઘાજી કલાલ (ઉ.40)
પ્રકાશ રામાજી ગુર્જર (ઉ.35
રાકેશ કનૈયાલાલ ગુર્જર (ઉ.08)