Vadodara News: વડોદરા શહેરમાં દિવાળીના તહેવારને લઇ જુગાર-દારૂના અડ્ડાઓ ફરી ધમધમી ઉઠ્યા છે. શહેર પોલીસની D કંપનીની છત્રછાયા હેઠળ ચાલતા આવા ગેરકાયદે ધંધાઓ પર હવે સ્ટેટ મોનિટરિંગ સેલે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગત મોડી રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશન હદ અને ડીસીબી પોલીસ સ્ટેશનની નજીક આવેલા અજાબડી મિલ વિસ્તારમાં રાજા-રાણી તળાવના કિનારે ચાલતા મસમોટા જુગારના અડ્ડા પર એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમ્યાન જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી જોકે પોલીસએ સ્થળ પરથી 12 ખેલીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી દાવ પરની રોકડ રકમ રૂપિયા 2.55 લાખ, 14 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 66 હજાર અને 18 વાહનો કિંમત રૂપિયા 4.50 લાખ મળી કુલ રૂ.7.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
એસએમસીની ટીમની આ કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર હુસેનખાન ઉસ્માનખાન પઠાણ અને તેનો ભાગીદાર અફઝલ ખાન ઉર્ફે અન્નુ પઠાણ સહિત લિસ્ટેડ બુટલેગર સંદિપ ઉર્ફે પુઠ્ઠો રાજુભાઈ રાજપૂત અને અન્ય 18 વ્યક્તિઓ સ્થળેથી ફરાર થઈ ગયા હતા. કુલ 21 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
વિશેષ ચર્ચા લિસ્ટેડ બુટલેગર સંદિપ ઉર્ફે પુઠ્ઠો રાજુભાઈ રાજપૂતના નામને લઈને થઈ રહી છે. થોડા સમય પહેલા તે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ હતો અને બાદમાં પીસીબીએ તેને ઝડપી પાડીને પાસા કર્યા હતા. હવે તે ફરી જુગારના અડ્ડાના ગુનામાં વોન્ટેડ બનતાં ચર્ચાઓ ગરમાઈ છે કે દારૂનો ધંધો બંધ કરીને હવે તેણે જુગારનો ધંધો શરૂ કર્યો છે?
ઝડપાયેલા જુગારીઓમાં ચિરાયુ બારીયા, ગોપાલ વાઘેલા, જયંતિ વાઘારી, ત્રિલોચનસિંહ પંજાબી, રવિકુમાર રાણા, મોઈન અલી સૈયદ, સંગ્રામસિંહ ખાનવિલકર, સ્વેતાંગ હિરે, ઇબ્રાહીમ મલેક, રતિલાલ કોળી, શિવરાજ વોરા અને પિયુષ પટેલનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહી બાદ શહેરના અન્ય ગેરકાયદે ધંધાઓ ચલાવનારા વચ્ચે ખળભળાટ મચ્યો છે.