Shivji Ki Savari Vadodara: સૂરસાગર તળાવ પહેલા ચંદન તલાવડીના નામથી ઓળખાતું હતું અને પ્રાચીનકાળમાં 18મી સદીમાં તેનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે .મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે વડોદરા શહેરના હ્રદય સમાન સૂરસાગર તળાવ વચ્ચે વિદ્યમાન શ્રી સર્વેશ્વર મહાદેવની 17.5 કિલો સુવર્ણથી અભિનિવિષ્ટ 111 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
સૂરસાગર તળાવમાં વર્ષ 1995માં સત્યમ શિવમ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 111 ફૂટ ઊંચી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું. ત્યારથી આજ સુધી અનેક પ્રવાસીઓ અને ભાવિકો માટે આ સ્થળ દર્શનીય રહ્યું છે. વર્ષ 2002માં મહાશિવરાત્રિના દિવસે બી.એ.પી. એસ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાવલીવાળા સ્વામીજીની પ્રેરણાથી વડોદરા શહેરમાં વર્ષ 2013થી શિવજી કી સવારી કાઢવામાં આવી રહી છે અને આ શિવજી કી સવારીમાં સમગ્ર વડોદરા શહેરના લોકો ઉત્સાહભેર જોડાય છે. આ સ્વામીજીની પ્રેરણાથી આ પ્રતિમાને 2017માં સુવર્ણથી મઢવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

શિવ પરિવાર વડોદરાના શિવ ભક્તોને દર્શન આપશે
આજે મહા શિવરાત્રી નિમિત્તે નીકળનારી શિવજીકી સવારી શહેરના વિવિધ રાજ માર્ગો પર ફરીને શિવ પરિવાર વડોદરાના શિવ ભક્તોને દર્શન આપશે અને વિવિધ વેશભૂષા પહેરીને સવારીમાં ભારે આકર્ષણ જમાવશે. તેમજ ભોળાનાથના પ્રિય એવી ભૂતોની ટોળકી અને શિવજીના સંગીતમય ભજનોની રમઝટ જોવા મળશે વિવિધ વિસ્તારોમાં શિવજી પરિવારનું સ્વાગત ફૂલ વરસાવી આરતી કરીને કરવામાં આવશે.
વહેલી સવારથી શિવાલયોમાં દર્શન માટે ભક્તોની ભીડ
આજે શિવરાત્રી હોવાથી શહેરના 1100 ઉપરાંત શિવ મંદિરો શણગારવામાં આવ્યા છે અને વહેલી સવારથી જ શિવજીના દર્શન માટે ભક્તોની ભીડ જામેલી જોવા મળશે. શિવરાત્રીના પાવન પર્વથી વડોદરા ઉપરાંત સમગ્ર ગુજરાત માટે એક નવું દર્શનીય સ્થળ ઉભું થશે.
મુખ્યમંત્રી બોટમાં બેસી સર્વેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા જશે
આજે દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય એવી મહાશિવરાત્રીની રાત ભભૂતિધારી ભક્તોને લઇ મહાદેવ પાર્વતીજીને પામવા નીકળ્યા હતા. શિવાલયોમાં તૈયારી ઓ કરવામાં આવી છે નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના મધ્યબિંદુ સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની સુવર્ણ આવરણ ચડાવ્યા બાદ આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે મુખ્ય મંત્રી બોટમાં બેસી મૂર્તિ પાસે જશે અને દર્શન કરી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરનાર છે.
