વડોદરા: સાવલીના ગોઠડા ગામે સ્ટરલાઈટ કંપનીમાં અકસ્માત, ઊંચાઈથી પટકાતા 49 વર્ષીય કર્મચારીનું મોત

કર્મચારીએ નિયમ મુજબ સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ ધારણ કરી, તેમજ બૂમ લિફ્ટની મદદથી સેડ પર પહોંચીને વેલ્ડિંગ કામ કરી રહા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 10:20 PM (IST)Updated: Wed, 11 Nov 2026 10:20 PM (IST)
savli-gothada-sterlite-company-welding-accident-worker-dies-vadodara-news

Vadodara News: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે કરચિયા રોડ પર આવેલી જાણીતી સ્ટરલાઈટ ઈલેક્ટ્રીક લિમિટેડ કંપનીમાં એક દુર્ઘટના સર્જાઈ છે. કંપનીના પરિસરમાં વેલ્ડિંગનું કામ કરી રહેલા 49 વર્ષીય શ્રમિકનું અંદાજે 12 મીટરની ઊંચાઈથી નીચે પટકાવાના કારણે ગંભીર જાઓ થવાથી કરુણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના વતની એવા મેથ્યુ ચારીવિલ કોશી સ્ટરલાઈટ ઈલેક્ટ્રિક લિમિટેડ કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાના દિવસે તેઓ કંપનીના સેડ પર સુરક્ષાના સાધનો સાથે પોતાની ડ્યુટી બજાવી રહ્યા હતા. તેમણે નિયમ મુજબ સેફ્ટી બેલ્ટ અને હેલ્મેટ ધારણ કર્યા, તેમજ બૂમ લિફ્ટની મદદથી સેડ પર પહોંચીને વેલ્ડિંગનું કામકાજ શરૂ કર્યું હતું.

કામગીરી દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં અસંતુલન સર્જાયું હતું. આ અકસ્માત વેળાએ સેફ્ટી બેલ્ટ સાથે જોડાયેલો સેફ્ટી હૂક પણ અચાનક છૂટી ગયો, જેના કારણે મેથ્યુભાઈ લગભગ 12 મીટર જેટલી ઊંચાઈ પરથી સીધા જ નીચે જમીન પર ફંગોળાઈને પટકાયા હતા. આ ભયાનક ઘટનાના કારણે તેમને શરીરના ભાગે ગંભીર અને જીવલેણ ઈજા પહોંચી હતી.

દુર્ઘટના બાદ કંપનીના અન્ય કર્મચારીઓ અને અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીને તાત્કાલિક ધોરણે સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમની પ્રાથમિક તપાસ કરી મૃત જાહેર કર્યા હતા. એકમાત્ર કમાનાર મોભીના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

ઘટનાની જાણ થતાં જ સાવલી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાં સલામતીના ધોરણો અને સેફ્ટી ઈક્વિપમેન્ટની કામગીરી અંગે પણ સવાલ ઉઠી રહ્યા છે, જેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.