Vadodara News: વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પવિત્ર પર્વે ભાઈ-બહેનના અવિનાશી સ્નેહ અને લાગણીઓની અનોખી પરંપરા નિભાવવા દર વર્ષે જેમ આ વર્ષે પણ માત્ર સગી બહેનોને જ પોતાના બંદી ભાઈઓને રાખડી બાંધવાની તક આપવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલનાર આ રક્ષાબંધનની ઉજવણીમાં જેલના લોખંડના દરવાજા અને સળિયાં વચ્ચે પ્રેમની ડોર જોડાતી જોવા મળી હતી.

વહેલી સવારથી જ બહેનો જરૂરી ઓળખપત્ર સાથે જેલ પ્રવેશદ્વારે પહોંચવા લાગી હતી, જ્યાં કડક સુરક્ષા તપાસ બાદ તેમને પોતાના ભાઈઓને મળવાની મંજૂરી આપવામાં આવી હતી. બહેનોના હાથે રાખડી અને મીઠાઈ લઈને, ભીની આંખો અને સ્મિતભર્યા ચહેરા સાથે તેઓ ભાઈઓને આશીર્વાદ આપતા હતા. બીજી તરફ, ભાઈઓ પણ આ પળોને વર્ષના સૌથી અમૂલ્ય ક્ષણ તરીકે જીવતા હતા.


જેલ પ્રશાસન દ્વારા બહેનોને અગવડ ન પડે તે માટે ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. કેદીઓને આપવામાં આવતી મીઠાઈ જેલના પ્રાંગણમાંથી જ ઉપલબ્ધ કરાવવાનો હુકમ અપાયો હતો. પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે જેલ પ્રશાસન દ્વારા દરેક ભાઈને ભેટરૂપે તુલસીનો છોડ આપવામાં આવ્યો હતો, જે ભાઈ-બહેનના બંધનની જેમ જ જીવનદાયી અને સદાબહાર રહેવાનો સંદેશ આપતો હતો.
આ પણ વાંચો

આ ઉજવણીમાં એક તરફ ભાઈ-બહેનની આંખોમાં પ્રેમ અને આનંદના ઝરણાં વહેતા હતા, તો બીજી તરફ વિયોગનો દુઃખ પણ મનને ખંજવાળતું હતું. લોખંડના સળિયાં વચ્ચેની આ મુલાકાતે યાદ અપાવી કે ભલે દિવાલો અને તાળા શરીરને કેદ કરી શકે, લાગણીઓને કદી બંધ કરી શકતા નથી.