Vadodara News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી વડોદરા પ્રવાસને લઈને સમગ્ર શહેરમાં ઉત્સાહ અને સુરક્ષાનું બેવડું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આવતીકાલે સવારે 11.50 વાગ્યે વડાપ્રધાન વડોદરા એરપોર્ટ પર પહોંચશે, જેને પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પીએમ મોદીના આગમનને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી લઈને એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ સુધીના ૫ કિલોમીટરના મુખ્ય રૂટ પર એસ.પી.જી. (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ) અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન રિહર્સલ કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશ્નરની આગેવાનીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક બાદ વડોદરામાં અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે. વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ 2 હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ બંદોબસ્તમાં ઉચ્ચ અધિકારીઓની ફોજ પણ જોડાઈ છે, જેમાં 11 ડીસીપી અને 17 એસીપી કક્ષાના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની કમાન સંભાળશે. સંવેદનશીલ સ્થળો પર પોલીસની ખાસ બાજ નજર રહેશે, જ્યારે નાગરિકોને અગવડ ન પડે તે માટે ટ્રાફિક વ્યવસ્થામાં વિશેષ ડાયવર્ઝનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. એસ.પી.જી. અને સ્થાનિક પોલીસે રૂટ ઉપરાંત સભા સ્થળની પણ ઝીણવટભરી સમીક્ષા કરી લીધી છે.
આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ એમ.એસ. યુનિવર્સિટીના પેવેલિયન મેદાન ખાતે યોજાનારું યુવા કેન્દ્રિત કાર્યક્રમ છે. દેશમાં પ્રથમવાર આ પ્રકારે સ્પોર્ટ્સ ઈવેન્ટની શૈલીમાં વડાપ્રધાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં 'જેન ઝી' (Gen Z) યુવા વર્ગને વિશેષરૂપે આકર્ષિત કરવામાં આવશે. ખાસ વાત એ છે કે પીએમ મોદી મંચ પરથી નહીં પરંતુ મેદાન પર ચાલતા-ચાલતા યુવાનોને સંબોધશે અને તેમની સાથે સીધો સંવાદ કરશે.
આ અનન્ય કાર્યક્રમમાં માત્ર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવનાર યુવાનોને જ પ્રવેશ આપવામાં આવશે. દેશમાં પ્રથમ વખત થઈ રહેલા આ પ્રકારના અનોખા આયોજનને લઈને વડોદરાના યુવાનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન આવતીકાલે યુવાનો સાથે શું સંવાદ કરશે અને કયા મુદ્દાઓ પર ચર્ચા કરશે તે જાણવા માટે યુવા વર્ગમાં ભારે જિજ્ઞાસા પ્રવર્તી રહી છે. સુરક્ષાના કડક બંદોબસ્ત અને યુવાનોનાથનઘન ઉત્સાહ વચ્ચે વડોદરા નગરી વડાપ્રધાનના સ્વાગત માટે સંપૂર્ણપણે સજ્જ છે.
