PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ વડોદરા અને નવસારી જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડોદરાના MS યુનિવર્સિટી પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી રૂ. 35,200 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે નવસારીમાં નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું ઉદ્ઘાટન કરશે.
Gen-Z વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સાથે સીધો સંવાદ
વડોદરામાં આયોજિત કાર્યક્રમ અંતર્ગત પીએમ મોદી 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમમાં અંદાજે 6,000 જેટલા યુવાનો અને પ્રોફેશનલ્સને સંબોધિત કરશે. આ વિશેષ કોન્સર્ટ જેવી રોકસ્ટાર શૈલીના કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ પર ખાસ 'Y' આકારનો રેમ્પ તૈયાર કર્યો છે, જેના પર ચાલતાં-ચાલતાં વડાપ્રધાન મોદી Gen-Z વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ સાથે સીધો સંવાદ સાધશે અને અભિવાદન ઝીલશે.
નદીમાં બોટ પેટ્રોલિંગ, 4K ટેકનોલોજીથી લાઈવ કવરેજ
વડોદરાના આ હાઈટેક સરકારી કાર્યક્રમમાં પ્રવેશ માટે ઈતિહાસમાં પ્રથમ વખત ઓનલાઈન રજીસ્ટ્રેશનની પદ્ધતિ અપનાવી છે, તેમજ સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અત્યાધુનિક 4K કેમેરા ટેકનોલોજીથી કરવામાં આવશે. વડાપ્રધાનની સુરક્ષા માટે એરપોર્ટથી લઈને સભા સ્થળ સુધી 2000 થી વધુ પોલીસ જવાનો, 11 DCP અને 17 ACP સહિતનો ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સુરક્ષાના ભાગરૂપે પ્રથમ વખત વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની બોટ દ્વારા બોમ્બ કે શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવામાં આવી અને સભા સ્થળ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીના ઘરની બહાર પણ પોલીસ ગોઠવી દેવામાં આવી છે. મુખ્યમંત્રીના સ્વાગત માટે ફતેગંજ, કારેલીબાગ અને VIP રોડ જેવા મુખ્ય માર્ગોને સજાવવામાં આવ્યા છે.
નવસારીમાં 1100 મહિલાઓ કળશ સાથે સ્વાગત કરશે
વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરી બપોરે 2:45 વાગ્યે પીએમ મોદી નવસારી જવા રવાના થશે. નવસારીમાં તેઓ દેશના પ્રથમ AI ટેકનોલોજીથી સજ્જ અને અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે કોર્પોરેટ શૈલીમાં બનેલા નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય નમો કમલમનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્લા કક્ષાના પક્ષ કાર્યાલયનું લોકાર્પણ કરી રહ્યા છે. આ ઐતિહાસિક તકે 1100 મહિલાઓ માથે કળશ ધારણ કરીને મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરશે, જ્યારે 500 લોકો ડમરુ અને 100 લોકો ત્રાસા વગાડીને તેમનું અભિવાદન કરશે. કાર્યાલયના લોકાર્પણ બાદ પીએમ મોદી 5,000 થી વધુ પ્રબુદ્ધ નાગરિકો, ડોક્ટરો, એન્જિનિયરો અને શિક્ષકો સાથે વિશેષ સંવાદ પણ કરશે.
