Vadodara: પાદરાના આંટી ગામે પોલીસનો મોટો દરોડો, તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો રુ. 27.50 લાખનો 55 કિલો ગાંજો પકડાયો

વડોદરાના પાદરા તાલુકાના આંટી ગામે પોલીસે તબેલામાં દરોડો પાડી ખાડામાં છુપાવેલો ₹27.50 લાખની કિંમતનો 55 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 30 Sep 2026 03:31 PM (IST)Updated: Wed, 30 Sep 2026 03:31 PM (IST)
padra-anti-village-police-raid-horse-stable-ganja-seized-news

Vadodara Crime News: વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગેરકાયદેસર નશાના કારોબાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાદરા તાલુકાના આંટી ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રુ. 27.50 લાખની કિંમતનો 55 કિલો ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીને સ્થળ પરથી પકડી પાડ્યો છે, જ્યારે અન્ય બે આરોપીઓ પોલીસને જોઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

તબેલામાં છુપાવ્યો હતો ગાંજો

મળતી વિગતો અનુસાર, પાદરા પોલીસને બાતમી મળી હતી કે, આંટી ગામના ભદારી વાળા રોડ પર આવેલા લાલકુવા વિસ્તારમાં એક ખેતરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ખેતરમાં આવેલા ઘોડાના તબેલામાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તબેલાની અંદર ખાડો ખોદીને અત્યંત ચાલાકીપૂર્વક છુપાવેલો 55 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાની અંદાજિત કિંમત ₹27,50,000 આંકવામાં આવી છે.

આરોપીની ધરપકડ કરવામાં આવી

પોલીસે ઘટનાસ્થળેથી ગેરકાયદેસર ગાંજા ઉપરાંત એક મોબાઇલ ફોન, વજનકાંટો અને રોકડ રકમ પણ કબ્જે કરી છે. આમ, પોલીસે કુલ ₹27,55,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આર્થિક ફાયદો મેળવવા માટે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ જથ્થા સાથે આંટી ગામના રહીશ ઇલ્યાસ ઉર્ફે શેરૂ અહેમદભાઈ મલેકની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી હતી.

અન્ય બે આરોપીઓ ફરાર થયા

જોકે, આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ મુસ્તાક રહીમભાઈ મલેક (રહે. આંટી ગામ, ભદારી રોડ) અને બચુભાઈ ડોસુભાઈ સીધા સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા અને ફરાર થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ મુજબ, આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને આર્થિક લાભ ખાતર આ નશીલા પદાર્થનો જથ્થો તબેલામાં છુપાવ્યો હતો.

પાદરા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને પકડી પાડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે. પાદરા પોલીસની આ કડક અને સફળ કાર્યવાહીથી પંથકમાં ગેરકાયદેસર નશાનો કારોબાર કરતા અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.