MSU Admission: ધ મહારાજા સયાજીરાવ યુનિવशર્સિટી ઓફ બરોડા (MSU) ની ફેકલ્ટી ઓફ આર્ટ્સ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026–27 માટે બેચલર ઓફ આર્ટ્સ (B.A.) ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની તબક્કાવાર માર્ગદર્શિકા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ’ (GCAS) પોર્ટલ મારફતે ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમથી હાથ ધરવામાં આવી રહી છે. ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન પ્રોફ. કલ્પના ગાવલીના માર્ગદર્શન હેઠળ પ્રવેશ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વિદ્યાર્થીમૈત્રીપૂર્ણ બનાવવા માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
અરજીઓની ચકાસણી અને મેરિટ લિસ્ટ
પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કા તરીકે 'રજિસ્ટ્રેશન રાઉન્ડ-1' તારીખ 7 મે, 2026થી 28 મે, 2026 સુધી યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ, દસ્તાવેજ અપલોડ અને વિષય પસંદગી સાથે ઓનલાઇન અરજી સબમિટ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે.
તારીખ 29 મે, 2026થી 1 જૂન, 2026 દરમિયાન 4 દિવસીય ટેકનિકલ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ તબક્કામાં પ્રાપ્ત થયેલી તમામ અરજીઓની ચકાસણી કરીને યુનિવર્સિટીના માર્ગદર્શક સિદ્ધાંતો અને GCAS નિયમો અનુસાર મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ 2 જૂનથી 6 જૂન, 2026 દરમિયાન વિદ્યાર્થીઓએ નીચે મુજબની મહત્વની પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની રહેશે:
એડમિશન ઓફર અને ઓનલાઈન કન્સેન્ટ:
વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર લોગ-ઇન કરીને પોતાની એડમિશન ઓફર તપાસવાની રહેશે અને ઉચ્ચ પ્રાથમિકતાવાળી કોલેજ માટે ઓનલાઈન કન્સેન્ટ આપવાનું રહેશે.
ફિઝિકલ વેરિફિકેશન:
પ્રવેશ ઓફર મેળવનાર વિદ્યાર્થીઓએ પોતાના તમામ મૂળ પ્રમાણપત્રો, ઓફર લેટર અને સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલોના એક સેટ સાથે ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે રૂબરૂ હાજર રહેવું પડશે.
ફી પેમેન્ટ અને OTP કન્ફર્મેશન:
દસ્તાવેજોની ચકાસણી બાદ વિદ્યાર્થીઓએ નિર્ધારિત ફી ભરવાની રહેશે અને મોબાઇલ પર આવનારા OTP દ્વારા પોતાનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
અન્ય વિષયોની પસંદગી:
વિદ્યાર્થીઓએ પોતાના મુખ્ય (Major) વિષય સિવાયના અન્ય પેટા વિષયોની પસંદગી પણ ફેકલ્ટીની સૂચના અને બેઠકોની ઉપલબ્ધતાના આધારે આ જ સમયગાળામાં કરવાની રહેશે.
મહત્વની સૂચના:
પ્રવેશ પ્રક્રિયા દરમિયાન OTP આધારિત કન્ફર્મેશન ખૂબ જ મહત્વનું હોવાથી, વિદ્યાર્થીઓએ GCAS પોર્ટલ પર નોંધાયેલો પોતાનો મોબાઇલ નંબર સક્રિય (Active) રાખવો અનિવાર્ય છે. વધુ માહિતી માટે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ નિયમિત જોતા રહેવું.
મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ 2 જૂનથી 6 જૂન, 2026 દરમિયાન વિદ્યાર્થીઓએ પોતાના તમામ મૂળ પ્રમાણપત્રો, ઓફર લેટર અને સ્વ-પ્રમાણિત (Self-Attested) નકલોના એક સેટ સાથે ફેકલ્ટી ઓફ આર્ટ્સ ખાતે રૂબરૂ હાજર રહેવું પડશે.
