નેપાળ હોનારતઃ વડોદરાના પ્રવાસીઓને બચાવનાર ગાઈડે જીવ ગુમાવ્યો, મોતના મુખમાંથી ઘરે પરત ફરેલા યાત્રીઓની આંખો હજુય ભીની

નેપાળમાં ભૂસ્ખલન અને પૂરની ભયાનક ઘટનામાંથી વડોદરાના 12 યાત્રાળુઓ હેમખેમ પરત ફર્યા છે. જોકે, તેમને બચાવનાર ગાઈડે જીવ ગુમાવ્યો, જેની યાદો યાત્રાળુઓના મનમાં કાયમ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Aug 2026 07:35 PM (IST)Updated: Thu, 27 Aug 2026 07:35 PM (IST)
nepal-landslide-tragedy-vadodara-tourists-recount-miraculous-escape-heroic-guide-passes-away

પ્રશાંત ગજ્જર, Nepal Landslide Tragedy: વડોદરાથી કૈલાશ માનસરોવર અને નેપાળની યાત્રાએ ગયેલા 12 શ્રદ્ધાળુઓ આશરે મોતના મુખમાંથી માંડ-માંડ બચીને હેમખેમ પોતાના વતન પરત ફર્યા છે.

નેપાળ અને તિબેટ સરહદ પર ત્રાટકેલા વિનાશક પૂર અને ભૂસ્ખલનની ભયાનક આપવીતીએ આ પ્રવાસીઓની ઊંઘ અને ભૂખ હરામ કરી દીધી છે. દિલ્હી પહોંચ્યા બાદ તેમને આ કુદરતી હોનારતની ભયાનકતાનો અંદાજ આવ્યો હતો.

વડોદરાના યાત્રાળુઓની રોમાંચક અને હચમચાવી દેતી આપવીતી

યાત્રા પૂર્ણ કર્યા બાદ વડોદરાની ત્રણ મહિલાઓ સહિત ચાર લોકો મુક્તિનાથની યાત્રા માટે નેપાળમાં રોકાયા હતા, જ્યારે અન્ય સભ્યો પરત ફરવા રવાના થયા હતા.

પ્રવાસી પરિતા શુક્લાએ જણાવ્યું કે, અમે જે ઇમિગ્રેશન ઓફિસ અને બિલ્ડિંગ પાસે થોડા દિવસો પહેલા જ સેલ્ફી લીધી હતી અને ફોટા પાડ્યા હતા, તે જ સુંદર પરિસર પૂરના પ્રચંડ પ્રવાહમાં સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું છે. આ સમયે ત્યાં હાજર સેંકડો લોકો કે ગાઈડ્સને ભાગવાનો પણ મોકો પણ મળ્યો નહોતો.

અન્ય એક પ્રવાસી સુધા ગોસ્વામીએ પોતાની ભયાનક યાદો વાગોળતા કહ્યું કે, ટિમુરે પહોંચતી વખતે એક બાજુ તોફાની નદી અને સાંકડા રસ્તા પર પહાડોમાંથી મોટા પથ્થરો પડી રહ્યા હતા. કીચડમાં ચાલતી વખતે દોઢ ફૂટનો એક વિશાળ પથ્થર મારા પગને સ્પર્શીને નીકળી ગયો હતો. ફ્લાઇટમાં બેસીને દિલ્હી પહોંચ્યા પછી ન્યૂઝ જોયા ત્યારે ખબર પડી કે, જો તેઓ એક દિવસ પણ મોડા નીકળ્યા હોત તો કદાચ જીવતા ન હોત.

ગાઈડના નિધનથી પ્રવાસીઓમાં ભારે આઘાત

આ મુશ્કેલ સમયમાં જે સ્થાનિક ગાઈડે પ્રવાસીઓને પરિવારની જેમ સાચવ્યા હતા અને જીવના જોખમે રક્ષણ કર્યું હતું, તે જ ગાઈડ આ દુર્ઘટનામાં ભોગ બન્યા હોવાના સમાચારથી વડોદરાના પ્રવાસીઓ ભાવુક અને સ્તબ્ધ થઈ ગયા છે. યાત્રા સાથે સંકળાયેલા કેટલાક એજન્ટો પણ પૂરનાં પાણીમાં લાપતા થયા છે.

સુરક્ષિત રીતે વડોદરા પરત ફરેલા આ 12 યાત્રાળુઓ અને તેમના સ્વજનોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ આ ભયાનક આપત્તિ અને સહયાત્રીઓની દુર્દશાની યાદો તેમના માનસપટ પર કાયમ માટે અંકિત થઈ ગઈ છે.