Navratri 2026: નવરાત્રિનો તહેવાર એટલે પરંપરા, આસ્થા, ઉમંગ અને રંગોનો ઉત્સવ. ગરબે ઘૂમવા માટે ખેલૈયાઓ દર વર્ષે નવાં ચણિયાચોળી, કેડિયાં, કુર્તા અને ફેન્સી એસેસરીઝ ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ દર વર્ષે મોંઘાં કપડાં ખરીદવા કે જૂના પહેરવેશને નવો લુક આપવા પાછળ મોટો ખર્ચ કરવો દરેક માટે શક્ય હોતો નથી. આ પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા ‘હીટ ટ્રાન્સફર ફેબ્રિક સ્ટિકર્સ’ ફેશનપ્રેમીઓ માટે એક ઉત્તમ અને આકર્ષક વિકલ્પ બનીને ઉભર્યા છે.
ગરબા રસિકો માટે આર્થિક અને સર્જનાત્મક વિકલ્પ
આ પણ વાંચો
હીટ ટ્રાન્સફર સ્ટિકર અને ડીટીએફ (ડાયરેક્ટ ટુ ફિલ્મ) પ્રિન્ટિંગની મદદથી ગરમી તથા દબાણ આપીને ડિઝાઇનને કાપડ પર ચોંટાડવામાં આવે છે. ઓમ, સ્વસ્તિક, ત્રિશૂળ, માતાજીના ચરણ, મોરપીંછ તેમજ પરંપરાગત ભાત ધરાવતાં આ સ્ટિકર્સથી સાદાં કપડાંને ક્ષણવારમાં રોયલ અને ફેસ્ટિવ લુક આપી શકાય છે. ચણિયાચોળી, કુર્તા, જીન્સ, ટોપ, ટી-શર્ટ અને ફેબ્રિક બેગ્સને પણ પોતાની પસંદગી મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે. યુવા પેઢી માટે પોતાના વ્યક્તિત્વ મુજબ ફેશન અજમાવવાની આ એક નવી અને આર્થિક તક છે.
સાદાં ચણિયાચોળી, કુર્તા અને કેડિયાં ઘરે જ બનશે આકર્ષક
ઘરે જ DIY (ડૂ ઇટ યોરસેલ્ફ) ફેસ્ટિવ લુક બનાવવા માટે સૌપ્રથમ કાપડ સ્વચ્છ અને સંપૂર્ણપણે સૂકું હોવું જોઈએ તથા સ્ટિકર ક્યાં લગાડવું છે. તેની જગ્યા અગાઉથી નક્કી કરી લેવી જોઈએ. ત્યારબાદ સ્ટિકર ગોઠવીને તેની ઉપર પ્રોટેક્શન માટે બટર પેપર અથવા ટ્રાન્સફર શીટ મૂકવામાં આવે છે. ઉત્પાદકની સૂચના મુજબ નિર્ધારિત તાપમાને ઈસ્ત્રી અથવા હીટ પ્રેસ મશીન વડે યોગ્ય દબાણ આપ્યા પછી, સ્ટિકરના પ્રકાર અનુસાર ગરમ કે ઠંડું પડે ત્યારે ઉપરની ફિલ્મ હળવા હાથે દૂર કરવામાં આવે છે.
ફેશન અને બજેટનો અનોખો સંગમ
જોકે, ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, દરેક ફેબ્રિક સ્ટિકર સામાન્ય ઘરગથ્થુ ઈસ્ત્રીથી ચોંટી શકતું નથી. કેટલીક જટિલ ડિઝાઈન માટે હીટ પ્રેસ મશીનની જરૂર પડે છે. આથી કપડાં પર પ્રયોગ કરતા પહેલાં તેના કોઈ ન દેખાતા ખૂણા પર ટેસ્ટિંગ કરવું હિતાવહ છે.
આમ, નવરાત્રિ કે અન્ય તહેવારોમાં મોંઘાં વસ્ત્રો ખરીદવાને બદલે સર્જનાત્મકતા દાખવીને હીટ ટ્રાન્સફર સ્ટિકર્સ દ્વારા જૂનાં કપડાંને નવજીવન આપી શકાય છે. ફેશન અને બજેટનો આ અનન્ય સંગમ ખેલૈયાઓમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યો છે.
