Bank Strike, RBI Holiday Update: 28 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થઈ રહેલી બેંક કર્મચારીઓની ત્રણ દિવસીય દેશવ્યાપી હડતાળને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં મંત્રાલયની ખાસ ભલામણ બાદ RBIએ આદેશ આપ્યો કે, આજે 27 સપ્ટેમ્બર, રવિવારે રજા હોવા છતાં દેશભરની તમામ સરકારી બેંકો અને રિજનલ રૂરલ બેંકો (RRB) સામાન્ય સમયપત્રક મુજબ ખુલ્લી રહેશે અને કામકાજ ચાલુ રાખશે.
સતત 5 દિવસ બેંકિંગ સેવા ઠપ્પ થવાની સ્થિતિ ટળી
ઉલ્લેખનીય છે કે, 26 સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને 27 સપ્ટેમ્બરે રવિવારની નિયમિત રજા હતી. ત્યારબાદ 28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી બેંક કર્મચારી સંગઠનો દ્વારા ત્રણ દિવસની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જો રવિવારે પણ બેંકો બંધ રહી હોત, તો ગ્રાહકોને સતત પાંચ દિવસ સુધી બેંકિંગસેવાથી વંચિત રહેવું પડતું. RBIના આ નિર્ણયથી નાણાકીય વ્યવહાર અટકી જવાની મોટી સમસ્યા ટળી છે.
અર્ધવાર્ષિક ક્લોઝિંગ માટે વધારાનો દિવસ મહત્વનો
30 સપ્ટેમ્બરે બેંકોનું અર્ધવાર્ષિક ક્લોઝિંગ હોવાથી રવિવારનો આ વધારાનો કાર્યદિવસ બેંકો અને ગ્રાહકો બંને માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે. આજે બેંકો ખુલ્લી રહેવાથી રોકડ ઉપાડ અને જમા, ચેક ક્લિયરિંગ, લોન દસ્તાવેજીકરણ તેમજ વેપારીઓના રોજિંદા વ્યવહાર સરળતાથી પૂર્ણ થઈ શકશે. RBIના નિર્દેશ મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BOB) અને કેનેરા બેંક (Canara Bank) સહિતની તમામ સરકારી બેંકોની શાખા, વહીવટી કચેરીઓ અને કરન્સી ચેસ્ટ પૂર્ણપણે કાર્યરત રહેશે.
ખાનગી બેંકો અને ડિજિટલ સેવાઓ અંગે સ્થિતિ
HDFC, ICICI અને Axis જેવી ખાનગી ક્ષેત્રની બેંકો આ હડતાળમાં સામેલ નથી, તેથી તેમના માટે સામાન્ય રજાના નિયમો લાગુ પડશે. બીજી તરફ, હડતાળના દિવસો દરમિયાન પણ નેટ બેન્કિંગ, UPI અને મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ સેવા અવિરતપણે ચાલુ રહેશે. ગ્રાહકોની સુવિધા માટે SBI ATM માંથી રોકડ ઉપાડવા પર કોઈપણ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, બેંક કર્મચારી સંગઠનો અઠવાડિયામાં 5 દિવસનું બેંકિંગ, પેન્શનનું અપડેશન અને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા જેવી વિવિધ પડતર માંગણીઓને લઈને આ દેશવ્યાપી હડતાળ કરી રહ્યા છે.
