Vadodara No UPI Day, October 2: દેશભરમાં ડિજિટલ પેમેન્ટ અને કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન વચ્ચે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર લાગુ કરવામાં આવતા વિવિધ ચાર્જિસને લઈને વેપારી આલમમાં ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ₹2,000થી વધુના ચોક્કસ UPI ટ્રાન્ઝેક્શન પર 0.40 % MDR ચાર્જના વિરોધમાં વ્યાપારી મથક વડોદરામાં 70થી વધુ વેપારી સંગઠનો 2 ઓક્ટોબરે 'No UPI Day' મનાવશે.
વડોદરામાં 'No UPI Day' મનાવવાની ઘોષણા
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના વેપારીઓએ અસહકારના માર્ગે ચાલીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. અભિયાન અંતર્ગત 2 ઓક્ટોબરે વડોદરા શહેરના તમામ નાના-મોટા વેપારીઓ પોતાની દુકાન, શોરૂમ અને સંસ્થામાં મૂકેલા QR કોડ અને UPI ગેજેટ્સ પર કાળું કપડું કે કાગળ બાંધીને વિરોધ વ્યક્ત કરશે.
આ સાથે જ તે દિવસે ગ્રાહકોને પણ ડિજિટલ પેમેન્ટને બદલે માત્ર રોકડ વ્યવહાર કરવા અપીલ કરવામાં આવશે, જેથી સરકાર સુધી વેપારીઓનો અવાજ પહોંચી શકે. વેપારી અગ્રણીઓના મતે, નાના અને મધ્યમવર્ગના વેપારીઓ પહેલાથી જ મોંઘવારી, ઊંચા ટેક્સ અને ઓપરેશનલ ખર્ચથી પીડાઈ રહ્યા છે, ત્યારે MDR ચાર્જથી તેમની નફાકારકતા પર સીધા પ્રહાર થશે.
70થી વધુ વેપારી મંડળો અને સંગઠનો એક તાંતણે
આ વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા માટે વડોદરા વેપાર વિકાસ એસોસિએશન, મધ્ય ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, હાથીખાના એસોસિએશન, વડોદરા મીઠાઈ-ફરસાણ એસોસિએશન, પદ્માવતી શોપિંગ સેન્ટર, અલકાપુરી કાપડ બજાર અને મંગળ બજાર સહિત 70થી વધુ વેપારી સંગઠનો તેમજ લારી-ગલ્લા એસોસિએશનો એકજૂથ થયા છે.
સંગઠનના પ્રમુખ પરેશ પરીખ, ચેરમેન રમેશ પટેલ અને નિમેષ મહેતાએ ગુજરાત અને વડોદરાના તમામ નાના-મોટા વેપારીઓને 2 ઓક્ટોબરે UPI પેમેન્ટ ન સ્વીકારીને આ વિરોધમાં જોડાવા આહવાન કર્યું છે. આ ઉપરાંત, આ વધારાનો ચાર્જ પાછો ખેંચવાની માંગ સાથે તમામ સંગઠનો 1 ઓક્ટોબરે જિલ્લા કલેક્ટર અને સ્થાનિક સાંસદને આવેદનપત્ર પાઠવશે.
ગ્રાહકોએ રોકડ રકમ સાથે રાખવી પડશે
ગાંધી જયંતીના દિવસે વડોદરાના તમામ મુખ્ય બજારોમાં ડિજિટલ પેમેન્ટ સેવાઓ સંપૂર્ણ રીતે બંધ રહેવાની શક્યતા છે. આથી ખરીદી માટે નીકળતા ગ્રાહકોએ મુશ્કેલીથી બચવા પોતાની સાથે પૂરતી રોકડ રકમ રાખવી પડશે. જો સરકાર વેપારીઓની માંગણી સ્વીકારવામાં નિષ્ફળ રહેશે, તો આગામી દિવસોમાં આંદોલન સમગ્ર રાજ્યમાં ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતા છે.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા ₹2,000થી વધુના ચોક્કસ UPI પેમેન્ટ પર 0.40% MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે 15 ઓક્ટોબર 2026 થી અસરકારક બનશે.
