Sardar Patel 150th Birth Anniversary: રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના પ્રતીક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક ભવ્ય રાષ્ટ્રીય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. આ માર્ચ કરમસદથી શરૂ થઈને કેવડિયા સુધી નીકળશે, જે કુલ 165 કિ.મી.નો અંતર કાપશે. આ રાષ્ટ્રીય યાત્રા દેશની એકતા, અખંડતા અને સમરસતાના સંદેશને પ્રજામાં ઉતારવાનો હેતુ ધરાવે છે.
યુનિટી માર્ચ યોજાશે
યુનિટી માર્ચનું પ્રસ્થાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરમસદથી થશે જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેવડિયામાં માર્ચનું સમાપન કરશે. આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રદર્શનો અને પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે, જેથી યુવાનોમાં સરદાર પટેલના વિચાર અને મૂલ્યો પ્રત્યે જાગૃતિ વધે.
હજારો લોકો જોડાશે
આ યુનિટી માર્ચ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં હજારો લોકો, વિદ્યાર્થીઓ, એનજીઓ, સરકારી વિભાગો તથા સ્વયંસેવકો જોડાશે. સમગ્ર માર્ગ પર સ્વાગત સમારંભ, ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
107 કિમીનો રુટ નક્કી કરાયો
ખાસ કરીને વડોદરા જિલ્લો આ માર્ચમાં અગત્યની ભૂમિકા ભજવશે. વડોદરાનો સૌથી લાંબો 107 કિ.મી.નો રૂટ નિર્ધારિત થયો છે, જેમાં શહેર અને જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી માર્ચ પસાર થશે. વડોદરા શહેર અને જિલ્લામાં વિધાનસભા બેઠક મુજબ અલગ-અલગ યુનિટી માર્ચનું આયોજન પણ 16 થી 22 નવેમ્બર વચ્ચે કરવામાં આવશે, જે મુખ્ય યુનિટી માર્ચ માટેનું પ્રી-ઇવેન્ટ ગણાશે.
આ સમગ્ર કાર્યક્રમનું ધ્યેય માત્ર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું જ નથી, પરંતુ ભારતની એકતા અને ભાઇચારા માટે નવા સંકલ્પ સાથે આગળ વધવાનું છે. સરદાર પટેલના “એકતા જ શક્તિ છે”ના સુત્રને આ યુનિટી માર્ચ જીવંત રૂપ આપશે.
