Narmada News: ગુજરાતના નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ-2025 ની ઉજવણી માટેનો રાષ્ટ્રીય કક્ષાનો સમારંભ આગામી તા.31/10/2025 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય પરેડ અને એકતા દિવસની ઉજવણી ભવ્ય રીતે થવા જઈ રહી છે. જેના પૂર્વે તૈયારીઓના ભાગરૂપે SOU એકતાનગર ખાતે તડામાર તૈયારીઓ વિવિધ એજન્સીઓ અને અધિકારીઓ દ્વારા કાર્ય પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે અને પૂર્ણતાને આરે પહોંચી ચૂકી છે અને કેન્દ્ર-રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ગ્રાઉન્ડ પર કામગીરી કરી રહ્યા છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી રહી છે તે સૌ પોતપોતાના કામમાં જોડાઈને કમ્પલીશન તરફ આગળ વધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 2જી ઓક્ટોબરે નર્મદા ડેમના નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પધાર્યા હતા તે વેળાએ રાષ્ટ્રીય પરેડ ગ્રાઉન્ડના નિર્માણ કાર્ય નિરીક્ષણ કર્યું હતું તે વેળાએ તેમની સાથે મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્યના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ પણ પરેડ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી મુખ્યમંત્રીને કાર્યયોજના અંગે અવગત કર્યા હતા અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ BSF અને વિવિધ એજન્સીઓએ પણ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સંદર્ભે મુલાકાત કરી હતી.
રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી એકતા દિવસ-2025 અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી શાનદાર અને યાદગાર બની રહે તે માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં ઓર્ગેનાઇઝેશન કમિટી તૈયારી અને મૂલ્યાંકન સમિતિ (ટેન્ડર) પદપૂજા સમિતિ, પરેડ ડેમોસ્ટ્રેશન સમિતિ, કો-ઓર્ડીનેશન સ્ટેજ કમિટી, પરેડ ગ્રાઉન્ડ કો-ઓર્ડીનેશન કમિટી, કલ્ચરલ પ્રોગ્રામ સમિતિ, મીડિયા કમિટી, સિક્યુરિટી કમિટી, અક્કોમેડેશન કમિટી, ટ્રાન્સપોર્ટ પાર્કિંગ કમિટી સહિતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
ફૂડ કમિટી, સેનિટેશન સમિતિ, હેલીપેડ કમિટી, કાયદો વ્યવસ્થા સમિતિ, કોમ્યુનિકેશન એન્ડ આઇ.ટી. કમિટી, હેલ્થ કમિટી, પાવર સપ્લાય કમિટી, સ્ટેબિલિટી સર્ટિફિકેટ સમિતિ આમ કાર્યક્રમને અનુરૂપ વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં સ્ટેટ લેવલ કમિટી, ડિસ્ટ્રીક લેવલ કમિટીમાં ઉચ્ચ અધિકારીઓથી માંડીને જિલ્લા સંબંધિત વિભાગના વડાઓને આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સનદી અધિકારી તેમજ મહેસૂલના કર્મચારીને આ ઉજવણી માટે વધારાનો ફોર્સ પણ કામગીરીને આખરી ઓપ આપવા માટે ફાળવવામાં આવશે.
નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ કમિટી સાથે ગરુડેશ્વર APMC ખાતેના પાર્કિંગ જગ્યાની સ્થળ વિઝીટ કરી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું અને આ પાર્કિંગમાં અંદાજિત કેટલા વાહનો પાર્ક થઈ શકે તેમ છે લેવલીંગ અને સાફ-સફાઈ વગેરેનું નિરીક્ષણ કરી યુધ્ધના ધોરણે કામગીરી કરવા જણાવ્યું હતું.
SOU ની હયાત પાર્કિંગ વ્યવસ્થા સિવાય નવા આઇડેન્ટીફાઈ કરેલા પાર્કિંગમાં અંદાજે કેપેસિટી ગરૂડેશ્વર APMC 3 એકરમાં 150 બસ, 280 કાર, ગજેન્દ્રસિંહનું ખેતર 2 એકર 100 બસ, 180 કાર, કોયારી ચોકડી હોસ્પિટાલીટી ગ્રાઉન્ડ 8 એકર 400 બસ, 700 કાર, ખડકદા રોડ પર ડોમની બાજુમાં 8 એકર 400 બસ, 700 કાર તેમજ ખડગદાની સામેના રસ્તા પર પાર્કિંગ કંટ્રોલરૂમ, ક્રેન (406 થી 409 સર્વે નંબર) 8 એકરમાં 400 બસ, 700 કારની વ્યવસ્થા કરવામાં આવી છે.
SOU નૈકા વિહાર પોઇન્ટની સામે પોઇચા સ્વામીનારાયણ મંદિરની જગ્યામાં 2.50 એકરમાં 120 બસ, 200 કાર, ફર્ન હોટલ બાજુમાં વિઝીટીંગ પાર્કિંગ 22,000 સ્ક્વેર ફૂટ 30 બસ, 50 કાર, રેવા ભવનની બાજુ વાળું પાર્કિંગ 10 એકર 450 બસ, 800 કાર પાર્કિંગની સંભાવના છે તે તમામ સ્થળની જિલ્લા કલેકટરે આજે રૂબરૂ સ્થળ વિઝીટ કરીને નિરીક્ષણ કર્યું હતું અને સમિતિના સભ્યો તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી અને પાર્કિંગ સ્થળે પીવાના પાણીની તેમજ ટોયલેટની વ્યવસ્થા મુકવા પર ભાર મૂક્યો હતો.
આ મુલાકાત વેળાએ નાંદોદ, પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, મામલતદાર જે. વી. વૈષ્ણવ, મનિષ ભોય, ડીવાયએસપી સંજય શર્મા, રીયાઝ સરવૈયા, એ.આર.ટી.ઓ. નિમિષાબેન અને SOU ના સ્ટાફ વગેરે હાજર રહ્યો હતો.
