Vadodara News: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ ધાર્મિક અને વેપારની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા નારેશ્વર-પાલેજ રોડની બિસ્માર હાલતને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વહીવટી તંત્રની ઘોર ઉપેક્ષા સામે વિરોધ નોંધાવવા માટે પાછીયાપુરા ગામના લોકોએ અનોખો અને માર્મિક રસ્તો અપનાવ્યો છે. રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડા અને ખરાબ સ્થિતિથી કંટાળેલા ગ્રામજનોએ એકઠા થઈને 'રોડની વર્ષી' યોજીને વિરોધ નોંધાવ્યો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નારેશ્વર-પાલેજ રોડ પરથી દૈનિક હજારો વાહનો તેમજ પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વર દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ પસાર થાય છે. પરંતુ લાંબા સમયથી આ રસ્તાની કોઈ યોગ્ય મરામત કરવામાં આવી નથી. રોડ પર પડેલા વિશાળ ખાડાને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, અને વાહનચાલકોને કમરતોડ હાલાકી વેઠવી પડે છે.
ઉલ્લેખનીય છે કે, આ માર્ગની દુર્દશા અંગે તંત્રને જગાડવા માટે ગ્રામજનોએ બરાબર એક મહિના અગાઉ "રોડનું બેસણું" યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરંતુ એક મહિનો વીતી જવા છતાં તંત્ર દ્વારા રોડ રિપેરિંગની કોઈ જ કામગીરી શરૂ કરવામાં ન આવતા લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
આ નિષ્ક્રિયતાથી રોષે ભરાયેલી ગામની મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને 'રોડની વર્ષી' ઉજવી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ રસ્તા પર જ બેસીને વહીવટી તંત્ર અને શાસક પક્ષ સામે આકરા પ્રહારો કર્યા હતા. આક્રોશિત મહિલાઓએ "હાય હાય" ના જોરદાર નારા લગાવીને આખો વિસ્તાર ગજવી મૂક્યો હતો.
સ્થાનિકોએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં નારેશ્વર-પાલેજ રોડનું સમારકામ કે નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ચક્કાજામ સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે.
