Vadodara News:વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આરોગ્ય અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકાના ઝોનલ તંત્ર દ્વારા તાંદલજા વિસ્તારમાં અચાનક હાથ ધરાયેલી કડક તપાસ ઝુંબેશ દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતાં તંત્રએ કડક વલણ અપનાવી 7 હોટલોને સ્થળ પર જ સીલ કરી દીધી છે. કોર્પોરેશનની આ સરપ્રાઈઝ કામગીરીને પગલે સમગ્ર વિસ્તારના વેપારીઓ અને હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ની આરોગ્ય અને દબાણ શાખાના અધિકારીઓની ટીમે રાણેશ્વર-વાસણા ચાર રસ્તાથી લઈને જે.પી. પોલીસ સ્ટેશન ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગ પર આવેલી વાણિજ્યિક મિલકતો, દુકાનો અને હોટલોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. સ્થાનિક રહીશોની આરોગ્ય સુરક્ષા અને જાહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન અનેક ખાનગી હોટલો તથા ખાનપાનના એકમોમાં આરોગ્યના ધોરણોનું ઘોર ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું.
ચેકિંગ દરમિયાન કેટલીક હોટલોના રસોડા અને આસપાસના પરિસરમાં અત્યંત ગંદકી, અસ્વચ્છતા તેમજ ખાદ્ય પદાર્થોની જાળવણીમાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતી આવી ગંભીર બેદરકારીને સાંખી ન લેતાં પાલિકા અધિકારીઓએ સ્થળ પર જ આકરાં પગલાં લીધાં હતાં અને નિયમભંગ કરનારી કુલ ૭ હોટલોને સીલ મારી બંધ કરી દેવાનો હુકમ કર્યો હતો.
મહાનગરપાલિકાના અધિકારીઓએ આ પ્રસંગે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરનાર કોઈપણ એકમ કે સંચાલક સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક કાનૂની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. પાલિકાની આ સપાટાબંધ કામગીરીથી નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
