Vadodara News: વડોદરા શહેરમાં આજે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો અને મહિલા આગેવાનોએ કાળા કપડાં અને કાળી પટ્ટીઓ ધારણ કરી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. દેશમાં લોકશાહી અને મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવતા કાર્યકર્તાઓએ શહીદ ભગતસિંહની તસવીરો અને સ્વાયત્ત ચૂંટણી પંચ કે ભાજપનું ટૂલ? લખેલા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે ચૂંટણી પંચની સ્વાયત્તતા પર ગંભીર સવાલો ઉઠાવી મુખ્ય ચૂંટણી કમિશનરના ત્વરિત રાજીનામાની માંગ કરી હતી. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન લેવાયેલા તમામ નિર્ણયોની નિષ્પક્ષ સમીક્ષા કરવાની માંગ રજૂ કરી હતી. પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા પૂતળાદહન કરવાનો પ્રયાસ કરાતાં પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરતસિંહ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પંચ પોતાની નિષ્પક્ષતા ગુમાવી રહ્યું છે, જેના સામે પક્ષ કાનૂની અને રાજકીય લડાઈ ચાલુ રાખશે.
બીજી તરફ, કોંગ્રેસના આ આક્રમક વલણ સામે ભારતીય જનતા પાર્ટીએ પણ ત્વરિત વળતો પ્રહાર કર્યો હતો. ભાજપ મહાનગર દ્વારા 'નમો કમલમ' કાર્યાલય ખાતે એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓએ ચૂંટણી પંચ અને SIR (સ્પેશિયલ સમરી રિવિઝન) પ્રક્રિયા અંગે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહેલા તમામ આક્ષેપોને પાયાવિહોણા અને ‘જુઠ્ઠાણાં’ ગણાવીને ફગાવી દીધા હતા.
ભાજપના આગેવાનોએ વિવિધ તથ્યો અને આંકડા રજૂ કરીને સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદાકીય મર્યાદામાં અને પારદર્શક રીતે થઈ રહી છે. કોંગ્રેસ માત્ર રાજકીય રોટલા શેકવા માટે બંધારણીય સંસ્થાઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ પણ ભાજપ દ્વારા લગાવવામાં આવ્યો હતો. આમને-સામને આક્ષેપ-પ્રતિઆક્ષેપને કારણે વડોદરાનું રાજકારણ ભારે ગરમાયું છે.
