Mahisagar: મહીસાગર જિલ્લામાં બેસણાની વિધિની અનોખી શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ખાનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્વર્ગસ્થ સ્વજનને શ્રદ્ધાંજલિ આપવા કુટુંબીજનો દ્વારા પર્યાવરણ બચાવવા માટે ખાસ સંદેશ સાથે શ્રદ્ધાંજલિ અપાઈ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બડેસરા ગામમાં 75 વર્ષીય પટેલ જીવાભાઈનું નિધન થયું હતુ. જે બાદ સ્વર્ગસ્થ જીવાભાઈના બેસણાંમાં કુટુંબીજનો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ધરતીને હરિયાળી રાખવા માટે સ્વજનો દ્વારા બેસણાંમાં આવનારા લોકોને છોડ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
સ્વ.જીવાભાઈ હીરાભાઈ પટેલના બેસણામાં આવનાર તમામને પટેલ કુટુંબ દ્વારા વૃક્ષ વાવવા માટે છોડ આપવામાં આવ્યા. જેના કારણે સ્વજનની યાદગીરી અને ધરતીને હરિયાળી રાખવા માટે આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો.
મહત્વનું છે કે, વૃક્ષો અને પર્યાવરણ આપણા જીવનમાં કેટલું મહત્વનું છે તે સૌ કોઈ જાણે જ છે, પરંતુ હાલના આધુનિક યુગમાં ઘટી રહેલ વૃક્ષો તેમજ જંગલોની સંખ્યા માનવજાત માટે જોખમી બની રહી છે. જેથી ખુદ આપણા દેશના વડાપ્રધાન દ્વારા 'એક પેડ માં કે નામ' સહિતના અનેક પર્યાવરણલક્ષી અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. એવામાં પટેલ કુટુંબ દ્વારા કરવામાં આવેલ નવતર પ્રયોગ એ ખરેખર સરાહનીય છે.
