Mahant Swami Maharaj 92nd Birth Anniversary: બી.એ.પી.એસ. સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામીના 92મા જન્મજયંતી મહોત્સવની વડોદરા ખાતે ભવ્ય અને દિવ્ય ઉજવણી થવાની છે. તારીખ 2 ફેબ્રુઆરી, 2026 સોમવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન એ.પી.એમ.સી. માર્કેટ નજીક, નેશનલ હાઈવે-48 ખાતે આવેલા વિશાળ મહોત્સવ સ્થળે આ ઐતિહાસિક કાર્યક્રમ યોજાશે. આશરે 350 એકર વિસ્તારમાં આયોજિત મહોત્સવ માટે 14,000 જેટલા સ્વયંસેવકો દિવસ-રાત તડામાર તૈયારીઓમાં વ્યસ્ત છે. આ પ્રંસગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવ પણ ઉપસ્થિત રહેશે.
પ્રમુખ સ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે મહંત સ્વામી મહારાજ આજે બી.એ.પી.એસ. સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેમની નિશ્રામાં વિશ્વભરમાં 1800થી વધુ મંદિરો દ્વારા સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું સંવર્ધન થઈ રહ્યું છે. અમેરિકાના ન્યૂજર્સી સ્થિત રોબિન્સવિલ સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટના અબુ ધાબીમાં નિર્મિત પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર સુધી, તેમના માર્ગદર્શન હેઠળ સનાતન પરંપરાનો વૈશ્વિક જયઘોષ થયો છે.
આ મહોત્સવની ખાસ વિશેષતા તરીકે ઇંગ્લેન્ડથી પધારેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારીઓ દ્વારા મહંત સ્વામી મહારાજને બે મહત્વપૂર્ણ બહુમાન અર્પણ કરવામાં આવશે. પ્રથમ બહુમાન 15,000થી વધુ બાળકો દ્વારા મહંત સ્વામી મહારાજે રચિત 315 શ્લોકો ધરાવતા ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના સંસ્કૃતમાં પૂર્ણ મુખપાઠ બદલ આપવામાં આવશે.
આ ગ્રંથ ઉન્નત અને મૂલ્યસભર જીવન માટે પ્રેરણારૂપ છે. બીજું બહુમાન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના નિર્માણના વિક્રમ બદલ આપવામાં આવશે, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાર્યના પ્રતિનિધિ રૂપે મહંત સ્વામી મહારાજ સ્વીકારશે. અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાને પાંચ રેકોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.
જન્મજયંતી મહોત્સવના ઉપક્રમે અનેક સેવા અને સાધનાત્મક કાર્યક્રમો યોજાયા છે. તેમાં લાભ પાંચમે 140 ઔદ્યોગિક એકમોમાં મહાપૂજા, સુરસાગર તળાવ ખાતે 1293 બાળ-બાલિકાઓ દ્વારા વિશ્વશાંતિ યજ્ઞ, જબલપુરથી વડોદરા સુધી 92 યુવાનોની મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ તથા મહિલા પ્રવૃત્તિ અંતર્ગત 7200 થી વધુ પ્રેરણા સભાઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાં હરિભક્તોએ એક લાખથી વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ ભાવિકોને આમંત્રણ પાઠવ્યું છે. મહોત્સવ સ્થળે અંદાજિત બે લાખ હરિભક્તો ઉપસ્થિત રહેશે.
