Independence Day 2026: વડોદરામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજવંદન

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આયોજિત કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 15 Aug 2026 10:39 AM (IST)Updated: Sat, 15 Aug 2026 10:39 AM (IST)
independence-day-2026-celebration-vadodara-harsh-sanghavi-flag-hosting
Independence Day Celebrations in Vadodara

Independence Day 2026 Celebrations in Vadodara: વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યું હતું. આ તકે મોટી સંખ્યામાં નાગરિકો, રાજકીય મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી દેશભક્તિના રંગે રંગાયા હતા.

સરદાર પટેલના ઐતિહાસિક યોગદાનનું સ્મરણ 

જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રદાનને યાદ કર્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જર્મની અને ઈટલી જેવા દેશોના એકત્રીકરણમાં વર્ષો લાગ્યા, જ્યારે સરદાર સાહેબે માત્ર 18 મહિનામાં 562 રજવાડાઓનું ભારત સંઘમાં વિલીનીકરણ કર્યું હતું. તેમણે ટકોર કરી કે જો સરદાર પટેલે આ કાર્ય ન કર્યું હોત, તો આજે કાશ્મીર કે રામ મંદિર જવા માટે વિઝા-પાસપોર્ટની જરૂર પડતી.

વડોદરા માટે પૂર નિવારણ અને શિક્ષણની ભેટ 

વિકાસના કાર્યો અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યનો ખેડૂત સ્માર્ટફોનનો ઉપયોગ કરીને આંગળીના ટેરવે દુનિયાભરની માહિતી મેળવી રહ્યો છે. વડોદરામાં પૂરની સમસ્યાના કાયમી નિવારણ માટે વિશ્વામિત્રી અને સૂર્યા નદી પર 13 ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

આ સાથે વડોદરા જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ માટે 3 નવા છાત્રાલયોની જાહેરાત કરી, જેમાં ડભોઈ ખાતે 160 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળા કુમાર અને કન્યા છાત્રાલયનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી આજે ગુજરાતના દરેક ગામ સુધી વીજળી અને પીવાનું પાણી પહોંચ્યું છે.

ડ્રગ્સ વિરોધી લડાઈ અને કડક ચેતવણી 

હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરતા જણાવ્યું કે, ગુજરાત પોલીસ પાકિસ્તાન દ્વારા થતી ડ્રગ્સ ઘુસાડવાની કોઈપણ કોશિશને નિષ્ફળ બનાવવા સજ્જ છે. છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન અને અન્ય દેશોના 75 જેટલા તત્વોને જેલમાં ધકેલી દેવાયા છે, જેમને ક્યારેય જામીન મળશે નહીં. તેમણે યુવાનોને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અને જો કોઈ પરિચિત ડ્રગ્સના રવાડે ચઢ્યું હોય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

સ્વચ્છતા અને સામાજિક સમરસતાનો સંકલ્પ 

નાયબ મુખ્યમંત્રીએ નાગરિકોને ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવા સંકલ્પ લેવડાવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા દ્વારા સામાજિક દૂષણો સામે લડતા યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને સૌને સાથે મળીને સામાજિક સમરસતા જાળવવા હૂંફાળી અપીલ કરી હતી.