Kachchh: બન્નીના ઘાસિયા મેદાનમાં ફરી દોડશે કાળિયાર, વંતારા અને વન વિભાગના સહયોગથી બ્લેકબકનું પુનર્વસન

વંતારા અને વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી સ્થાનિક ઈકોલોજી અને જૈવવિવિધતાને વેગ મળશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 17 Aug 2026 03:13 PM (IST)Updated: Mon, 17 Aug 2026 03:13 PM (IST)
kachchh-banni-grasslands-20-blackbucks-rewilded-vantara-gujarat-forest-dept
Blackbucks Rehabilitation in Banni Grasslands

Blackbucks Rehabilitation in Kachchh Banni Grasslands: ભારતના 80મા સ્વતંત્રતા દિવસના અવસરે ગુજરાતના વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. ગુજરાત વન વિભાગે વંતારા સ્થિત ગ્રીન્સ ઝુઓલોજીકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબીલીટેશન સેન્ટર (GZRRC) ના સહયોગથી કચ્છના બન્ની ઘાસિયા મેદાનોમાં 20 કાળિયાર (Antelope Cervicapra) મુક્ત કર્યા છે.

વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્થાનાંતરણ 

આ મુક્ત કરાયેલા કાળિયારમાં પાંચ નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે, જેમને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત એન્ડ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની જરૂરી મંજૂરી મળ્યા બાદ જામનગરના વંતારાથી સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. આ સ્થાનાંતરણ પશુચિકિત્સા પરીક્ષણ, આરોગ્ય સ્ક્રીનીંગ, ક્વોરેન્ટાઇન, ડિઝિસ સર્વેલન્સ, સલામત અને માનવીય પરિવહન તેમજ મુક્તિને આવરી લેતા નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર હાથ ધર્યું હતું. વંતારાએ તમામ જરૂરી શરતો અને જરૂરિયાતોનું પાલન કર્યું હતું.

ઈકોલોજીકલ મહત્વ અને જૈવવિવિધતા

પહેલનું મહત્વ માત્ર 20 પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક તૃણાહારી પ્રાણીઓને પુનઃસ્થાપિત કરવા એ બન્નીના ઈકોલોજિકલ માળખાના પુનઃનિર્માણનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનાથી તેનો સ્થાનિક તૃણાહારી સમુદાય મજબૂત બને છે, કુદરતી શિકારી-શિકારના સંબંધોને ટેકો મળે છે અને અસરકારક ઘાસિયા મેદાનની ઈકોસિસ્ટમની રિકવરીમાં યોગદાન પ્રાપ્ત થાય છે.

બન્ની એ માલધારી સમુદાયો અને વિવિધ સ્થાનિક વન્યજીવોને આશ્રય આપતું એક વિશાળ ઘાસિયા મેદાનનું લેન્ડસ્કેપ છે. કાળિયાર, ચિંકારા, નીલગાય અને વાઈલ્ડ બોર (જંગલી ભૂંડ) સદીઓથી તેના તૃણાહારી પ્રાણી સમૂહનો હિસ્સો રહ્યા છે. કુદરતી નિવાસસ્થાનના (હેબિટાટ) સંવર્ધન અને વૈજ્ઞાનિક ઢબે ઘાસિયા મેદાનના વ્યવસ્થાપન સાથે મળીને, આ રિકવરી અહીંના વિસ્તારની ઈકોલોજીકલ લાક્ષણિકતા અને જૈવવિવિધતાનેપુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.

વ્યાપક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા અને આયોજન

પહેલ ભારતની સ્થાનિક પ્રજાતિઓના પુનરુત્થાન અને ઘાસિયા મેદાનની ઈકોસિસ્ટમના પુનઃસ્થાપન પ્રત્યેની વ્યાપક રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ રાષ્ટ્રીય વિઝન હેઠળ શરૂ કરાયેલા પ્રોજેક્ટ ચિત્તાએ ઈકોલોજીકલ પુનઃસ્થાપન, ઘાસિયા મેદાનોની પુનઃપ્રાપ્તિ, શિકાર આધારને મજબૂત બનાવવા, વૈજ્ઞાનિક વન્યજીવ વ્યવસ્થાપન અને સામુદાયિક ભાગીદારીને ભારતીય પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિના પ્રયાસોના કેન્દ્રમાં રાખી છે.

ગુજરાતના ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ડૉ. જયપાલ સિંહ, IFS એ જણાવ્યું કે, “તંદુરસ્ત લેન્ડસ્કેપ્સની પુનઃસ્થાપના માટે સ્થાનિક વન્યજીવોનું પુનઃસ્થાપન પાયાનું પાસું છે. ભારતના સ્વતંત્રતા દિવસે બન્નીમાં આ 20 કાળિયારની મુક્તિ આ ઘાસિયા મેદાનોની ઈકોલોજીકલ લાક્ષણિકતા અને જૈવવિવિધતાને પુનઃપ્રાપ્ત કરવાનાઅમારા સતત પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પ્રકારના પુનઃસ્થાપન માટે વિજ્ઞાન, સાતત્યપૂર્ણ વ્યવસ્થાપન અને સહયોગની જરૂર રહે છે. અમે નિર્ધારિત પ્રોટોકોલ અનુસાર આ પ્રોગ્રામ હાથ ધરવામાં વંતારાના તકનીકી સહયોગની પ્રશંસા કરીએ છીએ.”

વંતારાના સ્પેશિયલ ડિરેક્ટર, કમ્પ્લાયન્સ એન્ડ ડ્યુ ડિલિજન્સ, અજિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “સ્વતંત્રતા દિવસે ભારતની સ્થાનિક પ્રજાતિઓ કે જેઓજ્યાંના મૂળ વતની છે તેવા કુદરતી લેન્ડસ્કેપ્સમાં સતત વિચરણ કરતી રહે અને ફૂલે-ફલેતેવા ભવિષ્યમાં યોગદાન આપવાથી મોટો બીજો કોઈ મોટો લ્હાવો હોઈ ન શકે.

આ પ્રજાતિઓનું પુનઃસ્થાપન એ માત્ર પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી; તેના માટે નિવાસસ્થાન, પ્રજાતિઓ અને મુક્ત કરવામાં આવી રહેલા ચોક્કસ પ્રાણીઓની સંપૂર્ણ સમજણ, તેમજ નિવાસસ્થાનની ગતિશીલતા (હેબીટેટ ડાયનેમિક્સ), વસ્તી આયોજન અને આ પ્રયાસોની લાંબા ગાળાની સફળતા અને ટકાઉપણું સુનિશ્ચિત કરવા તમામ હિતધારકો, ખાસ કરીને સ્થાનિક સમુદાયોના સક્રિય સમર્થનની જરૂર છે.

બન્ની માટે ગુજરાત વન વિભાગ અને સરકારના સંવર્ધન વિઝનને સમર્થન આપવા બદલ અને જ્યાં પણ ભારતના વન્યજીવ સંવર્ધન પ્રયાસોને મજબૂત કરી શકાય ત્યાં ક્ષમતા અનુસાર તકનીકી યોગદાન આપવા બદલ અમે સન્માનિત થયાનું અનુભવીએ છીએ.”

તૃણાહારી પ્રાણી સંવર્ધનનો વ્યાપક કાર્યક્રમ

બન્ની ખાતે કાળિયારોની મુક્તિ એ સમગ્ર ગુજરાતમાં સ્થાનિક તૃણાહારી પ્રાણીઓનીવસ્તીને મજબૂત કરવાના વ્યાપક કાર્યક્રમનો એક ભાગ છે. કેન્દ્ર સરકાર, પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલય દ્વારા 500 કાળિયાર અને 100 ચિંકારાના સ્થાનાંતરણને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાતે આ કામગીરી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

આ વ્યાપક કાર્યક્રમના ભાગરૂપે પ્રસ્તાવિત ચિત્તા પુનઃપ્રસ્તુતિ કાર્યક્રમ સંદર્ભે શિકારનો આધાર વિસ્તારવામાં સમર્થન આપવામાં આવી રહ્યું છે, ત્યારે બન્ની કાળિયાર મુક્તિનો એક મહત્વપૂર્ણ અને સ્વતંત્ર પ્રજાતિ પુનઃસ્થાપન ઉદ્દેશ છે: ઘાસિયા મેદાનના સ્થાનિક વન્યજીવોની વસ્તીનું પુનઃનિર્માણ કરવું.

બન્ની ગ્રાસલેન્ડ ફોરેસ્ટ ડિવિઝને સ્થાનાંતરણ કાર્યક્રમ માટે વંતારાનો તકનીકી સહયોગ માંગ્યો છે. જેમાં વિશિષ્ટ તૃણાહારી પરિવહન વાહનો, પોર્ટેબલ બોમા સિસ્ટમ્સ, પશુચિકિત્સા કુશળતા અને સુરક્ષિત હેન્ડલિંગ અને પરિવહન માટે તકનીકી સપોર્ટનો સમાવેશ થાય છે.

પહેલ ગુજરાત વન વિભાગના સાતત્યપૂર્ણ સંવર્ધન કાર્ય પર આધારિત છે. ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાતની મંજૂરી સાથે, વંતારાએ અગાઉ બરડા વન્યજીવ અભયારણ્યમાં લગભગ 80 ચિત્તલ (સ્પોટેડ ડીઅર) ના પુનઃસ્થાપનમાં વન વિભાગને સહાયતા પૂરી પાડી હતી, જે એશિયાટિક સિંહોના સંવર્ધન વિસ્તારમાં જૈવવિવિધતાને મજબૂત કરવામાં યોગદાન આપે છે.

બન્ની પહેલ સંવર્ધન સહયોગના આ મોડેલને વધુ મજબૂત બનાવે છે, જેમાં રાજ્ય સરકાર અને ગુજરાત વન વિભાગ નેતૃત્વ અને સંચાલન પ્રદાન કરે છે. જેને પશુચિકિત્સા, વન્યજીવ વ્યવસ્થાપન, સ્થાનાંતરણ અને મુક્તિ પછીના મોનિટરીંગમાંવંતારાની વિશિષ્ટ ક્ષમતાઓ દ્વારા સમર્થન મળે છે.