વડોદરાના સાવલી તાલુકાના ખાખરીયામાં રેલવે ટ્રેક પર મળેલી હાલોકના જમીન દલાલ જતિન દરજીની લાશમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જતિન દરજીની હત્યા કરવા માટે તેની પત્ની અને પત્નીના પ્રેમીએ સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. જતિને પહેલા દારૂ પીવડાવાયો હતો અને બાદમાં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને રેલવે ટ્રેક પર મુકવામાં આવી હતી. પોલીસે પત્ની, પત્નીના પ્રેમી અને હત્યા કરનાર ત્રણ શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગત 30 મેના રોજ સાવલી પોલીસને માહિતી મળી હતી કે હાલોલ તરફ જવાના માર્ગ પર આવેલા ખાખરીયા ગામ પાસે રેલવે ટ્રેક પર કપાઈ ગયેલી લાશ પડી છે. પોલીસે સ્થળ પર જઈને મૃત્યુ પામનાર યુવકની ઓળખ કરી હતી. મૃતક પાસેથી મળેલા ઓળખ કાર્ડથી મારનાર વ્યક્તિ જતિન દરજી હોવાનું અને હાલોલની મંગલમૂર્તિ ડુપ્લેક્ષ સોસાયટીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી પોલીસે તેના પરિવારને જાણ કરી હતી.
એ સમયે મૃતક જતિનની પત્ની બીરલ દરજીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલોલના પ્રતાપપુરામાં રહેતો નાગજી ભરવાડ જતિનને લઇને ગયો હતો. જેથી પોલીસને જતિનની હત્યા થઇ હોવાની શંકા ગઇ હતી. પોલીસે નાગજીની શોધખોળ આદરી ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ નાગજીએ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કરતા હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું. નાગજીએ જતિન દરજીની હત્યા કરવા માટે જતિનની પત્ની બીરલ અને બીરલના પ્રેમી ધર્મેશે સોપારી આપી હોવાની કબુલાત કરી હતી.
બીરલ પટેલ સાથે જતિન દરજીના 2009માં લગ્ન થયા હતા.તેમને બે સંતાનો પણ છે. આર્થિક સંકટના કારણે જતિન અને બીરલ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. જે દરમિયાન સોસાયટીમાં જ રહેતા જતિનના બિલ્ડર મિત્ર ધર્મેશ પટેલ સાથે બીરલને પ્રેમ સંબંધ બંધાયો હતો. બીરલે પ્રેમી ધર્મેશ સાથે મળીને પતિ જતિનની હત્યા કરવાનું કાવતરું રચ્યું હતું. ધર્મેશે નાગજી ભરવાડને ટ્રક લેવા માટે પૈસા આપ્યા હતા. ધર્મેશે જતિનની હત્યાના બદલામાં ટ્રકના હપ્તા માફ કરવાની લાલચ આપી હતી. નાગજીએ 30 મેના રોજ જતિનની હત્યા કરવાની યોજના બનાવી હતી.
જતીન દરજીને નાગજી ભરવાડ દારૂની મહેફિલ માણવા માટે હાલોલથી ખાખરીયા ગામ તરફ લઇ ગયો હતો. જ્યાં નાગજીની મદદ માટે વિજય રામાભાઈ અને સંદીપ કનૈયાલા બલાઈ હાજર હતા. જેમને હત્યામાં મદદગારી માટે એડવાન્સ પેટે 5 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જતિન દરજી અને નાગજી ભરવાડ સહિત અન્ય બન્ને શખ્સે ભેગા મળીને દારૂની પાર્ટી કરી હતી. ત્યારબાદ નાગજી ભરવાડ અને તેના બે સાગરીતોએ જતિનનું ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે લાશને રેલવે ટ્રેક પર ફેંકી આવ્યા હતા.
સાવલી પોલીસ અને જીલ્લા એલ.સી.બીની ટીમે સંયુક્ત તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જયારે પત્ની બીરલ દરજી, પત્નીનો પ્રેમી ધર્મેશ પટેલ,નાગજી ભરવાડ અને તેના બે સાથી એમ પાંચ હત્યારાઓની પોલીસે ધરપકડ કરી ઘટનાસ્થળે હત્યાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
