Surat Land Broker Murder Case: સુરતમાં ચંદ્રશેખર આઝાદ બ્રીજ પર જમીન દલાલની હત્યાના કેસમાં પોલીસે મુંબઈથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં 10 લાખ રૂપિયામાં સોપારી આપી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. તેમજ આ ઘટનામાં પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, સુરતના રાંદેર કોઝવે રોડ પાસે રહેતા 55 વર્ષીય ફૈજલ ઝકરીયા હસન ગત 31 ઓગસ્ટ, 2026 ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યાના અરસામાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ઈસમો તેમને આંતરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડવા માટે સુરત ક્રાઈમ બ્રાંચ, ચોકબજાર તેમજ ઝોન 3 LCB પોલીસની અલગ અલગ 15 ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી કે, આરોપીઓ સુરત શહેર છોડી મહારાષ્ટ્રના મુંબઈ તરફ ગયા છે. જેથી સુરત ક્રાઈમ બ્રાંચ અને ચોકબજાર પોલીસની ટીમો મુંબઈ જવા રવાના થઈ હતી. પોલીસ ટીમોએ બે આરોપીને મુંબઈ હાઈવે ફાઉન્ટેન હોટલ પાસે જાહેર રોડ પરથી અને અન્ય બે આરોપીને મુંબઈ હાઈવે વેસ્ટર્ન હોટલ પાસેથી ઝડપી પાડ્યા હતા.
પોલીસે 27 વર્ષીય આરોપી અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘૂંઘરું રાજેન્દ્ર દેવરે, 26 વર્ષીય કેસર અલી આબિદ અલી સૈયદ, 21 વર્ષીય વસીમ ઉર્ફે વસીયો મોઈન શેખ અને 20 વર્ષીય ગોકુલ સંતોષ જાદવને ઝડપી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલે ફૈઝલ ફત્તાની હત્યા કરવા માટે કાવતરું ઘડ્યું અને આરોપીઓને 10 લાખની સોપારી આપી, જેમાં 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા.
આરોપી અભિષેક ઉર્ફે રોહન તથા વસીમ ઉર્ફે વસીયોએ ગુનાને અંજામ આપવા માટે પોતાના મિત્ર સહ આરોપી કેસર અલી સૈયદ તથા ગોકુલ ઉર્ફે નાગેશ સાથે મળીને ફૈજલ ફટ્ટાની રેકી કરવાનું ચાલુ કર્યું. ગત 31 ઓગસ્ટના રોજ ફૈજલ ફટ્ટા વરીયાળી બજાર પાસે તેમની ઓફિસ ખાતે હતા. ફૈજલ મોપેડ લઈને બહાર નીકળતા તેમનો પીછો કર્યો અને જિલાણીબ્રિજ પર મોપેડથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા. બાદમાં હત્યા કરી બ્રિજથી રોંગ સાઈડમાં મોપેડ ચલાવીને નાસી ગયા હતા. આ ઘટનામાં પોલીસે મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. જેમાં અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘૂંઘરું રાજેન્દ્ર દેવરે સામે સુરતમાં હત્યાની કોશિશ, ઘરફોડ, મારામારી, ધાડ સહીત 5 ગુના અગાઉ નોંધાયેલા છે. જ્યારે અન્ય આરોપી વસીમ ઉર્ફે વસીયો મોઈન શેખ સામે મારામારી અને હથીયારના 4 ગુના નોંધાયેલા અને એક વખત પાસા પણ થયા છે. ત્રીજા આરોપી ગોકુલ ઉર્ફે સંતોષ જાદવ સામે મારામારીના બે ગુના નોંધાયેલા છે અને ચોથા આરોપી કેસર અલી આબિદ અલી સૈયદ સામે મહારાષ્ટ્રમાં મારામારી, હત્યાની કોશિશ સહિતના 3 ગુના નોંધાયેલા છે, જેમાં હત્યાની કોશિશના ગુનામાં તે વોન્ટેડ પણ છે.
વધુમાં, વોન્ટેડ આરોપી મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલ પકડાયા બાદ હત્યાનું કારણ સામે આવી શકશે. તેમજ તેની પાછળ પણ કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મુબારક ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે. તેની સામે અગાઉ મારા મારી અને હત્યાની કોશિશ સહિતના ગુના નોંધાયેલા છે, અને તડીપાર અને પાસા પણ થયેલા છે. હાલ પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
