Ganesh Pandals in Vadodara: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરના વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે લગભગ 15 જેટલા ગણેશ પંડાલોમાં જઈને ગણપતિ બાપાના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવીએ આયોજકો અને ભક્તો સાથે વાતચીત કરી અને ગણેશ ચતુર્થીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી.
શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવા મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન
ગણેશ પંડાલની મુલાકાત દરમિયાન, હર્ષ સંઘવીએ શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાની ઘટના અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “જે લોકોએ આસ્થા સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો છે, તેમની સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “પોલીસે આરોપીઓની એવી હાલત કરી છે કે તેઓ સીધા ચાલી પણ ન શકે.” ગૃહ રાજ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આવા કૃત્યો કરનારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં અને કાયદાનું કડક પાલન કરવામાં આવશે.
વડોદરા પોલીસને હર્ષ સંઘવીએ આપ્યા અભિનંદન
આ ઘટનામાં તાત્કાલિક અને અસરકારક કામગીરી કરવા બદલ હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું કે, “હું વડોદરા પોલીસને અભિનંદન આપું છું કે તેમણે ઝડપથી આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.” તેમણે ઉમેર્યું કે પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે અને તેનાથી સમાજમાં સારો સંદેશ પહોંચશે કે ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.