No UPI Day, Vadodara News: UPI ટ્રાન્ઝેક્શન પર લાગુ કરવામાં આવેલા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ચાર્જ સામે વેપારી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ નિર્ણયના વિરોધમાં આજે સમગ્ર ગુજરાતમાં વેપારીઓ દ્વારા ‘NO UPI Day’ પાળવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના મુખ્ય બજારો અને દુકાનો પર વેપારીઓએ QR કોડ સ્ટેન્ડ પર કાળું કપડું ઢાંકીને વિરોધ નોંધાવ્યો, અને ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું સંપૂર્ણપણે બંધ રાખ્યું છે.
નાણાકીય વ્યવહારો પર લાદવામાં આવેલા MDR ચાર્જના વિરોધમાં ગુજરાતના 600 થી વધુ નાના-મોટા ટ્રેડ યુનિયનો એકજૂથ થઈને આ આંદોલનમાં જોડાયા છે. જેમાં વડોદરા શહેરના પણ વિવિધ વેપારી મંડળો, સુપરમાર્કેટ્સ, કાપડ બજાર, કરિયાણા અને હોટેલ એસોસિએશન સહિત 72 જેટલા એસોસિયેશનો આ વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે જોડાયેલા છે.
આજે વડોદરાના તમામ નાના-મોટા વેપારીઓએ નિર્ણય લીધો છે કે, તેઓ ગ્રાહકો પાસેથી UPI કે અન્ય કોઈ પણ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ સ્વીકારશે નહીં. માત્ર કેશ ટ્રાન્ઝેક્શનથી જ વેપાર ચાલુ રાખવામાં આવ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, “ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપ્યા બાદ હવે વેપારીઓ પર MDR ચાર્જ ઝીંકીને વધારાનો આર્થિક બોજ નાખવામાં આવી રહ્યો છે, જે કોઈ પણ ભોગે સાંખી લેવાશે નહીં.”
‘NO UPI Day’ ના કારણે આજે એક જ દિવસમાં કરોડો રૂપિયાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પર સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. સવારથી જ ખરીદી માટે નીકળેલા ગ્રાહકોને પણ રોકડ ચૂકવણી કરવી પડી રહી છે. યુનિયનના અગ્રણીઓએ ચીમકી આપી છે કે, જો સરકાર અને સંબંધિત તંત્ર MDR ચાર્જ પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં આ વિરોધ પ્રદર્શનને વધુ ઉગ્ર બનાવી અને અનિશ્ચિત મુદત સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો બહિષ્કાર કરવામાં આવશે.
