Vadodara Gambhira Bridge Collapse: વડોદરા જિલ્લાના પાદરા તાલુકા પાસે તૂટી પડેલા ગંભીરા બ્રિજના સ્થળે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા. તેમણે સ્થળ પર કલેકટર અને સ્થાનિક ધારાસભ્ય પાસેથી સમગ્ર ઘટનાક્રમની વિસ્તૃત માહિતી મેળવી હતી.
મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં રેસ્ક્યુ કાર્યમાં વિઘ્ન ન પડે એ હેતુસર હું કે અન્ય મંત્રી સ્થળ પર નહીં આવ્યા. હાલ રેસ્ક્યુ લગભગ પૂર્ણ થઇ ગયું છે, હવે અમે તપાસનો તાગ મેળવવા અને જવાબદારો સામે પગલાં માટે આવ્યા છીએ.
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે સંબંધિત જવાબદાર અધિકારીઓ સામે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આર.એન્ડ બી વિભાગના અધિકારીઓને 30 દિવસની અંદર ઘટનાનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રાથમિક તબક્કાની તપાસમાં આ બ્રિજ પેડેસ્ટીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાને કારણે તૂટી પડ્યો હોવાની શક્યતા જણાવવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે હજુ એક મૃતદેહ નદીમાં દેખાઈ રહ્યો છે જેને બહાર કાઢવા માટે SDRF ટીમની કામગીરી ચાલુ છે. અત્યાર સુધી આ દૂર્ઘટનામાં 18 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. સરકાર દ્વારા દુર્ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા, ભવિષ્યમાં આવી ઘટનાઓ પુનરાવર્તિત ન થાય એ માટે જરૂરી વ્યવસ્થાઓ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવામાં આવી છે.
