Vadodara: રાજ્યમાં બહુચર્ચિત ભાવનગર લઠ્ઠાકાંડની ઘટના બાદ પણ બુટલેગરોમાં પોલીસ કે કાયદાનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમ દારૂનો ગેરકાયદે વેપાર હજુ પણ ધમધમી રહ્યો છે. એવામાં વડોદરા શહેર પોલીસે દારૂની બંદી સામે લાલ આંખ કરી છે.
આજે હરણી પોલીસ સ્ટેશનના સ્ટાફે એક ચોક્કસ બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધરીને લક્ઝરી બસમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહીથી દારૂના કાળા કારોબારમાં જોડાયેલા બુટલેગરોના નેટવર્કમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
હંસ ટ્રાવેલ્સની બસમાં મધ્ય પ્રદેશથી થતી હતી દારૂની હેરાફેરી
મળતી વિગતો અનુસાર, આ વિદેશી દારૂનો મોટો જથ્થો મધ્યપ્રદેશથી વડોદરા શહેર તરફ લાવવામાં આવી રહ્યો હતો. ગેરકાયદે પ્રવૃત્તિ આચરતા બુટલેગરો દ્વારા ‘હંસ ટ્રાવેલ્સ’ની લક્ઝરી બસનો ઉપયોગ દારૂની છૂપી હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો હતો. લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ છતાં બુટલેગરો દ્વારા બેખોફ બનીને બસ મારફતે દારૂ ઘૂસાડવાનો ખેલ ચાલતો હતો. જોકે, હરણી પોલીસને આ અંગેની ચોક્કસ ખાનગી બાતમી મળી જતાં પોલીસે ગોલ્ડન ચોકડી પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ લક્ઝરી બસને આંતરી લીધી હતી.
₹5.98 લાખનો દારૂ અને બસ મળી ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસ ટીમે બસની ઊંડાણપૂર્વક તલાશી લેતાં તેમાંથી ગુપ્ત રીતે છુપાવવામાં આવેલો અલગ-અલગ બ્રાન્ડનો અંદાજે ₹5.98 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. હરણી પોલીસે વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલી લક્ઝરી બસ મળીને કૂલ ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડ્રાઇવર અને કંડક્ટરની અટકાયત, મુખ્ય સૂત્રધારની શોધખોળ
ઘટના સ્થળેથી જ પોલીસે બસના ડ્રાઇવર અને કંડક્ટરની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશમાં કોણે બસમાં મુકાવ્યો હતો અને વડોદરામાં કયા સ્થાનિક બુટલેગરને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
