Vadodara: 17 દિવસના નવજાત સાથે જેલમાં કેદ ચૈતર વસાવાની પત્નીને મોટી રાહત, હાઈકોર્ટે જામીન મંજૂર કર્યાં

ગુજરાત હાઈકોર્ટે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની શકુંતલા વસાવાને શરતી જામીન આપ્યા છે. આ નિર્ણય 17 દિવસના નવજાત બાળકના સ્વાસ્થ્ય અને માતાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Jul 2026 07:45 PM (IST)Updated: Thu, 02 Jul 2026 07:45 PM (IST)
gujarat-hc-grants-bail-to-shakuntala-vasava-mother-of-17dayold

Vadodara: વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સહિતના આરોપીઓના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે એક અત્યંત મહત્વનો અને માનવતાવાદી નિર્ણય સંભળાવ્યો છે.

માત્ર 17 દિવસના નવજાત બાળક સાથે જેલમાં કેદ રહેલી માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. બાળકના સ્વાસ્થ્ય અને માતાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટે આ નિર્ણય લીધો છે.

થોડા સમય પહેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ વિરુદ્ધ વન વિભાગના અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક અને ધમકી આપવાનો કેસ નોંધાયો હતો. આ મામલે કોર્ટ દ્વારા ધારાસભ્ય સહિત 9 આરોપીઓને દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી. આ તમામ આરોપીઓને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ આરોપીઓના ગ્રુપમાં શકુંતલા વસાવા પણ સામેલ હતા, જેઓ હાલમાં જ માતા બન્યા છે. તેમનું સંતાન માત્ર 17 દિવસનું હોવાથી જેલની અંદર બાળકની સારસંભાળ રાખવી અત્યંત કઠિન અને પડકારજનક હતી, જેને લઈને સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.

આ મામલાની ગંભીરતા અને નવજાત બાળકના સ્વાસ્થ્યના પ્રશ્નને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના વકીલો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં તાત્કાલિક જામીન માટે અરજી કરવામાં આવી હતી.

વકીલોએ દલીલ કરી હતી કે, બાળકના યોગ્ય ઉછેર અને માતાની શારીરિક સ્થિતિ માટે તેમને જેલમાંથી મુક્ત કરવા અનિવાર્ય છે. હાઈકોર્ટે આ સંવેદનશીલ મુદ્દાને માનવતાના દ્રષ્ટિકોણથી જોઈને શકુંતલા વસાવાના જામીન મંજૂર કર્યા છે.

કોર્ટના આ નિર્ણયને પગલે પરિવારમાં અને રાજકીય વર્તુળોમાં રાહતની લાગણી છવાઈ છે. જોકે, અન્ય આરોપીઓ હજુ પણ જેલમાં જ પોતાની સજા ભોગવી રહ્યા છે. આ ઘટનાએ ન્યાયપ્રણાલીમાં કાયદાના અમલની સાથે સાથે માનવતાવાદી પાસાંને પણ ઉજાગર કર્યા છે.