Vadodara News:સાવલી-ડેસર પંથકમાં બેફામ ઝડપે દોડતા ભારે વાહનોના કારણે વધુ બે યુવાનોએ પોતાનો કિંમતી જીવ ગુમાવ્યો છે. બુધવારે મોડી રાત્રે સાવલી-ડેસર રોડ પર રાસાવાડી ત્રણ રસ્તા નજીક માતેલા સાંઢની જેમ ધસી આવેલા એક ડમ્પરે સામેથી આવતી બાઇકને જોરદાર અડફેટે લેતાં કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી (GRD) જવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના કુટુંબી કાકાનું સારવાર દરમિયાન મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે રોષ વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, ડેસર તાલુકાના રાતડીયા ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા રાજેશભાઈ સોલંકીનો ૩૧ વર્ષીય પુત્ર અજય સોલંકી ડેસર પોલીસ સ્ટેશનમાં GRD તરીકે ફરજ બજાવતો હતો. હાલ દિવાળીનો તહેવાર હોવાથી તે સાવલી ખાતે આવેલી એક ફટાકડાની દુકાને મજૂરીકામ માટે પણ જતો હતો. કામ પતાવીને અજય સોલંકી તેના કુટુંબી કાકા મિતેશસિંહ બળવંતસિંહ સોલંકી (ઉં.વ. ૨૯) સાથે મોટરસાઇકલ પર પરત પોતાના ઘરે ડેસર આવવા નીકળ્યા હતા.
દરમિયાન, સાવલીના રાસાવાડી ત્રણ રસ્તા નજીકથી પસાર થતી વખતે સામેથી પુરઝડપે આવતા એક ડમ્પરે અન્ય વાહનને ઓવરટેક કરવાના ચક્કરમાં તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અજય સોલંકી પરથી ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતાં તેમનું શરીર કચડાઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. જ્યારે બાઇકનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.
બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલા મિતેશસિંહ સોલંકીને રોડ પરથી તાત્કાલિક સ્થાનિકો દ્વારા વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે પણ દમ તોડ્યો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે મૃતક અજયના પિતાની ફરિયાદના આધારે સાવલી પોલીસે અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડેસરથી વડોદરા વચ્ચે દિવસ-રાત ખનીજ ભરીને બેફામ દોડતા હાઇવા અને ડમ્પરોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. ટ્રાફિક શાખા દ્વારા આવા વાહનચાલકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના કારણે આ પ્રકારના જીવલેણ બનાવો વધી રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.
