Vadodara News:વડોદરા શહેરના ઐતિહાસિક ચાર દરવાજા વિસ્તારમાં આવેલા લહેરીપુરા ગેટથી માંડવી ઇમારત સુધીના માર્ગ પર ગેરકાયદે ખડકાતા દબાણોની સમસ્યા સતત માથાનો દુખાવો બની રહી છે. મહાનગરપાલિકાની દબાણ નાબૂદી શાખા દ્વારા વારંવાર લારી-ગલ્લાં હટાવાય છે, પરંતુ તંત્રની કાર્યવાહી શમતાં જ આ વિસ્તારમાં ફરી ખાણીપીણીની લારીઓનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. દિવાળીના તહેવારો પૂર્વે ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવાના ભાગરૂપે પાલિકાની ટીમે સતત બીજા દિવસે કડક ઝુંબેશ ચલાવીને બે ટ્રક જેટલો સામાન અને લારીઓ જપ્ત કરી હતી.
ચાર દરવાજા વિસ્તાર વડોદરાનું મુખ્ય વ્યાપારી કેન્દ્ર હોવાથી અહીં દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે. દુકાનોની બહાર પથારા અને લારીઓ ખડકાઈ જવાથી રાહદારીઓને ચાલવા પણ જગ્યા મળતી નથી. રાત્રિના સમયે ખાણીપીણીનું બજાર ધમધમવા લાગતાં ગ્રાહકો રસ્તા પર જ બેફામ વાહનો પાર્ક કરે છે, જેના કારણે ગંભીર ટ્રાફિકજામ સર્જાય છે. આ પરિસ્થિતિથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાતા હતા
આ પણ વાંચો
જ્યારે પાલિકાની દબાણ શાખાની ટુકડી સ્થળ પર પહોંચી ત્યારે લારીધારકો અને તંત્ર વચ્ચે ભારે ઘર્ષણ અને રકઝક જોવા મળી હતી. કેટલાક વેપારીઓએ પાલિકા પર પક્ષપાતી વલણ દાખવવાનો અને ‘વહાલા-દવલાની નીતિ’ અપનાવી અમુક ચોક્કસ દબાણકર્તાઓ સામે જ કાર્યવાહી કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
તમામ વિરોધ અને ઘર્ષણ વચ્ચે પણ તંત્રની ટીમે કાર્યવાહી ચાલુ રાખીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જોકે, પાલિકાની આ ઝુંબેશ બાદ પણ થોડા દિવસોમાં સ્થિતિ જૈસે થે થઈ જતી હોવાથી, તહેવારોના સમયે આ સમસ્યાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવો તે વડોદરા કોર્પોરેશન માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
