Vadodara News: ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ પાદરાની કંપનીઓ દ્વારા કામદારોને સમય અને શિફ્ટમાં રાહતો અપાઇ, વાહન ભથ્થુ વધારાશે

રાજ્ય સરકારના ઇન્ટરવેન્શનથી 53 કંપનીઓના ચાર હજાર જેટલા કામદારોની સમસ્યા દૂર થઇ છે. કેટલીક કંપનીઓ દ્વારા જનરલ શિફ્ટ અપાશે, બસના રૂટ બદલાતા હાજરીના સમયમાં છૂટછાટ અપાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 15 Jul 2025 05:55 PM (IST)Updated: Tue 15 Jul 2025 05:55 PM (IST)
gambhira-bridge-collapse-padra-companies-grant-worker-relief-567159

Vadodara News: મુજપુર – ગંભીરા પૂલ તૂટી પડવાના કારણે કામદારોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઇ રાજ્ય સરકારના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને શ્રમ વિભાગ દ્વારા કરાયેલા ઇન્ટરવેન્શનને પગલે રોજગારદાતા કંપનીઓ દ્વારા રાહતકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. કેટલીક કંપનીઓ દ્વારા પોતાની ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ શરૂ કરશે તો કેટલીક તેમના કામદારોના વાહન ભથ્થામાં વૃદ્ધિ કરવા સહમત થઇ છે.

મહિ નદીના વડોદરા તરફના કિનારા બાજુએ પાદરા તાલુકામાં વિવિધ પ્રકારના ૫૩ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે. જેના દ્વારા મુખ્યત્વે રસાયણો, દવાઓ, મિકેનિકલ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ કંપનીઓમાં આણંદ તરફથી આવતા કામદારોની સંખ્યા ચાર હજાર જેટલી છે.

પૂલ તૂટી પડવાની ઘટના બાદ કામદારોને પડી રહેલી પરિવહનની મુશ્કેલીઓને ધ્યાને લઇ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તથા શ્રમ ખાતા દ્વારા સંબંધિત કંપનીઓ સાથે ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું હતું. જેના થકી કામદારો માટે રાહત રૂપ નિર્ણયો કંપનીઓ દ્વારા લેવામાં આવ્યા છે.

ઘણી કંપનીઓ દ્વારા તેમના કોન્ટ્રાક્ટરોને ખાનગી વાહનોની વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. મહત્તમ કંપનીઓ દ્વારા તેમના કામદારો માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી છે. રૂટ બદલાતા નોકરીના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે.

તદ્દઉપરાંત કેટલીક કંપનીઓ દ્વારા તેમના કામદારો માટે હાજરીમાં પણ રાહત આપવામાં આવી છે. જેમ કે, માસના 25 દિવસને બદલે 22 દિવસ કરવામાં આવ્યા છે. વધુમાં કંપનીઓ દ્વારા આણંદ રૂટથી આવતા કામદારોને જનરલ શિફ્ટ આપવાનું નિયત કરવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓ માટે વાહન ભથ્થુ વધારવાની વિચારી રહી છે.