Vadodara: વડોદરા શહેરના વાસણા રોડ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, સાયબર ગઠિયાઓએ 1.47 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભેજાબાજોએ વૃદ્ધને સતત 18 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ હેઠળ રાખી આ આખી કરતૂત આચરી હતી. આ અંગે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આધાર કાર્ડનો દુરુપયોગ અને રૂ.538 કરોડનું કૌભાંડ હોવાનો દાવો
ખાનગી કંપનીમાંથી વર્ષ 2024માં નિવૃત્ત થયેલા ફરિયાદી વૃદ્ધ પર ગત 10 માર્ચ 2026ના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) ના અધિકારી માનવ શર્મા તરીકે આપી હતી.
તેણે જણાવ્યું કે, વૃદ્ધના ઓળખપત્ર પરથી ગેરકાયદેસર મોબાઇલ નંબર ઇશ્યૂ થયો છે, જેનાથી ખોટા મેસેજ મોકલાય છે. જે બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને કથિત CBI અધિકારી વિજય પ્રકાશ તરીકે વોટ્સએપ વીડિયો કોલ કરીને ધમકાવવામાં આવ્યા કે, તેમના નામે ખોલાયેલા ખાતામાંથી 538 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ થયું છે.
નકલી FIR, કોર્ટ નોટિસ અને 18 દિવસની ડિજિટલ કેદ
વૃદ્ધને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા માટે ગઠિયાઓએ નકલી FIR, CBI નોટિસ અને સુપ્રીમ કોર્ટના કથિત દસ્તાવેજો મોકલ્યા હતા. અલગ-અલગ નંબરો પરથી ફોન કરી નકલી IPS અધિકારી, જજ અને વકીલ તરીકે ઓળખ આપી સાત વર્ષની જેલ અને મિલકત જપ્તીની ધમકીઓ અપાઈ હતી. 10 માર્ચથી 27 માર્ચ સુધી વૃદ્ધ અને તેમની પત્નીને ઘરમાં જ ‘ડિજિટલ અરેસ્ટ’ રખાયા હતા, જ્યાં દર બે કલાકે વીડિયો કોલ પર હાજરી આપવી પડતી હતી અને કોઈને પણ વાત કરવાની મનાઈ હતી.
તમામ એફ.ડી. અને વીમો તોડાવી રૂ.1.59 કરોડ પડાવ્યા
ડરના માર્યા સિનિયર સિટીઝને પોતાની તમામ એફ.ડી., વીમા પોલિસી અને રોકાણો તોડી નાખ્યા હતા. તેમણે 19 માર્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ના ખાતામાંથી RTGS મારફતે 1.40 કરોડ રૂપિયા અને 27 માર્ચે અન્ય 19 લાખ રૂપિયા મળી કુલ 1,59,35,000 રૂપિયા ગઠિયાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા.
બેંકના ફોનથી દીકરીને ખબર પડી, રૂ.11.36 લાખ બચ્યા
ગઠિયાઓએ જ્યારે વધુ રકમ માંગી ત્યારે વૃદ્ધે અન્ય બેંકની એફ.ડી. તોડવાનો પ્રયાસ કર્યો હતો. બેંકને શંકા જતાં તેમણે વૃદ્ધની પુત્રીને ફોન કરીને જાણ કરી હતી. પુત્રીએ પિતાની પૂછપરછ કરતાં સમગ્ર મામલો સાયબર ફ્રોડ હોવાનું બહાર આવ્યું હતું. દીકરીની સલાહથી ત્વરિત 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં 11.36 લાખ રૂપિયાની રકમ હોલ્ડ થઈ ગઈ હતી અને પરત મળી હતી. જોકે, બાકીના 1.47 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવતા વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
