Dediapada MLA Chaitar Vasava: ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી અઢી મહિના બાદ મુક્ત કરવામાં આવ્યા છે. હાઈકોર્ટે ચોક્કસ શરતો સાથે તેમને જામીન મંજૂર કર્યા બાદ આજે તેઓ જેલ બહાર આવ્યા હતા. તેમની જેલમુક્તિના સમાચાર સામે આવતા જ સમર્થકોમાં ખુશી છવાઈ ગઈ હતી અને વડોદરા સેન્ટ્રલ જેલ બહાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વાગત અને સન્માન કાર્યક્રમનું આયોજન
જેલમાંથી બહાર આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળા તરફ કાફલો કાઢ્યો હતો. નવરાત્રિના પાવન દિવસોમાં સૌપ્રથમ તેઓ રાજપીપળા જકાતનાકા ખાતે પહોંચીને હરસિદ્ધિ માતાના દર્શન કરશે. ત્યારબાદ કુંવરપરા, વિરપુર ચોકડી, ખામર માર્ગે પસાર થઈ બપોરે 12 વાગ્યે મોવી ચોકડી ખાતે કાર્યકર્તાઓને સંબોધિત કરવાની યોજના છે. જેલમુક્તિ પછી પ્રથમવાર તેઓ જાહેરમાં ભાષણ કરશે, જેના કારણે કાર્યકર્તાઓ અને રાજકીય વર્ગમાં ભારે આતુરતા જોવા મળી રહી છે. તેમના સંબોધનને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
જામીન મળ્યા, પણ શરતો સાથે
ધારાસભ્ય ચૈતર વસાવાને ભલે જામીન મળ્યા હોય, પરંતુ તેમને કેટલીક કડક શરતોનું પાલન કરવું પડશે. હાઈકોર્ટે તેમને દેડિયાપાડામાં કોર્ટ કાર્યવાહી સિવાય પ્રવેશ ન કરવાની શરત મૂકી છે. આ ઉપરાંત, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ ફરીથી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાશે, તો તેમના જામીન રદ થઈ શકે છે. તેમને તપાસમાં સહકાર આપવા અને કોર્ટની પરવાનગી વિના સ્થળાંતર ન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
આપનું કાવતરું હોવાનો આક્ષેપ
AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૈતર વસાવાના જામીન મળવાને ન્યાયની જીત ગણાવી છે. તેમણે કહ્યું કે, "ચૈતર વસાવા સામે ખોટા આરોપો લગાવીને જેલમાં નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું." તેમણે વધુમાં જણાવ્યું કે ચાર્જશીટમાં સરકારી અધિકારીઓએ પણ ચૈતર વસાવા સાથે કોઈ ગાળાગાળી થઈ હોવાનો ઇનકાર કર્યો છે. આ બાબત કોર્ટમાં સાબિત થતાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. હાઇકોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવામાં આવ્યા છે. પરંતુ એક વર્ષ સુધી વિધાનસભામાં નહીં જવાની શરત સાથે આ જામીન આપવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, 5 જુલાઈના રોજ નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં આદિજાતિ વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટના બાદ સંજય વસાવાની ફરિયાદના આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, અને તેઓ ત્યારથી જેલમાં હતા. માત્ર વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે તેમને થોડા સમય માટે જામીન મળ્યા હતા, પરંતુ સત્ર પૂરું થતાં તેમને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આજે તેમની જેલમુક્તિથી તેમના સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
