MLA Chaitar Vasava Bail: ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઇકોર્ટે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા માટે તેમની 7 દિવસની હંગામી જામીન શરતોને આધીન મંજૂર કરી છે.
જામીન માટે હાઇકોર્ટે મૂકી શરતો
ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને જામીન આપતી વખતે કેટલીક મહત્વપૂર્ણ શરતો મૂકી છે. જેમાં જામીન મુદત દરમિયાન તેઓ ગાંધીનગર બહાર જઈ શકશે નહી. વિધાનસભાના ચોમાસુ સત્રની સંપૂર્ણ કાર્યવાહીમાં ચૈતર વસાવાએ ફરજિયાત પણે હાજર રહેવું પડશે. હંગામી જામીનગાળા દરમિયાન તેઓ મીડિયા સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરી શકશે નહી.
શું હતો સમગ્ર વિવાદ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં વન વિભાગની જમીન પર આદિવાસી ખેડૂતો દ્વારા કરવામાં આવતા ખેડાણને વન વિભાગના અધિકારીઓએ અટકાવ્યું હતું. આ મામલે વાતચીત કરવા માટે ચૈતર વસાવાએ વનકર્મીઓને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. આ બેઠક દરમિયાન મામલો ઉગ્ર બની ગયો હતો.
ચૈતર વસાવા સહિતના લોકો સામે ગુનો
વન વિભાગે આક્ષેપ લગાવ્યો કે, ચૈતર વસાવા અને તેમના સહયોગીઓએ વનકર્મીઓ સાથે મારપીટ અને ખંડણી માંગી હતી. તેમજ ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે વન વિભાગની ફરિયાદને આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા, તેમની પત્ની, પીએ સહિતના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
હાઇકોર્ટના આ નિર્ણયથી હાલ પૂરતી ચૈતર વસાવાને મોટી રાહત મળી છે અને તેઓ વિધાનસભાના ચોમાસુ સત્રમાં જનતાના મુદ્દાઓ ઉઠાવી શકશે.
