Vadodara: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલમાં વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે કુંઢેલા બેઠક પર સર્જાયેલા હાઈવોલ્ટેજ ડ્રામાએ હિંસક વળાંક લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર મુળજીભાઈ વસાવાનું ફોર્મ ખેંચવા બાબતે થયેલી જૂથ અથડામણમાં પોલીસે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત સાત લોકો સામે નામજોગ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો
ત્રણ પક્ષોના કાર્યકરો વચ્ચે છૂટાહાથની મારામારી
16 એપ્રિલના રોજ ડભોઈ તાલુકા પંચાયતની કુંઢેલા સીટ પરથી ‘આપ’ (AAP) ના ઉમેદવાર મુળજીભાઈ વસાવા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચવા ગયા હતા. આ સમયે ભાજપ, કોંગ્રેસ અને આપના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા.
બિનહરીફ થવા કે હરીફને હટાવવા માટે ચાલી રહેલા રાજકીય દાવપેચ વચ્ચે અચાનક વાતાવરણ તંગ બન્યું હતું. ત્રણેય પક્ષોના કાર્યકરો વચ્ચે શાબ્દિક ટપાટપી બાદ મામલો બિચક્યો હતો અને જાહેરમાં જ સામસામે મારામારી અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.
જાતિવિષયક અપમાન અને જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદી મુળજીભાઈ વસાવાના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચવા માંગતા હતા, પરંતુ આરોપીઓએ તેમને રોકીને અભદ્ર વર્તન કર્યું હતું. આક્ષેપ છે કે, આરોપીઓએ તેમને જાહેરમાં જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહી માનસિક રીતે પ્રતાડિત કર્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદે મંડળી રચી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
આ સાત શખસો સામે ગુનો દાખલ
મુળજીભાઈ વસાવાની ફરિયાદના આધારે પોલીસે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટ સહિત કુલ સાત લોકો સામે એટ્રોસિટી એક્ટ (SC/ST Act) તેમજ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
ચૂંટણી પહેલા જ આ પ્રકારની કાયદાકીય કાર્યવાહીથી રાજકીય આલમમાં ગરમાવો વ્યાપી ગયો છે. મારામારીમાં સામેલ અન્ય પક્ષો સામે ફરિયાદ ન નોંધાતા કોંગ્રેસ છાવણીમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ મામલે ઊંડી તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાની સીધી અસર આગામી મતદાન અને પરિણામો પર પડશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
