Prahlad Patel joins BJP: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજકારણમાં આજે એક મોટો ધરતીકંપ જોવા મળ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કદાવર નેતા સિદ્ધાર્થ પટેલના 40 વર્ષ જૂના અને અત્યંત વફાદાર સાથી ગણાતા પ્રહલાદ મંગળ પટેલે વિધિવત રીતે ભાજપનો ખેસ ધારણ કરી લેતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.
કોંગ્રેસને એક પછી એક ફટકા પડ્યા
ડભોઇ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એકમાત્ર સભ્ય તરીકે પ્રહલાદ પટેલ મજબૂત પકડ ધરાવતા હતા, જેથી તેમનો પક્ષપલટો કોંગ્રેસ માટે બહુ મોટો ફટકો છે. અગાઉ સિદ્ધાર્થ પટેલના જ અન્ય એક વિશ્વાસુ નેતા ભૂપેન્દ્ર પટેલે પણ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ હવે પ્રહલાદ પટેલ પણ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા છે.
પક્ષપલટા અને અસંતોષના મુખ્ય કારણ
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોટા પક્ષપલટા પાછળ સિદ્ધાર્થ પટેલના પુત્ર વિશ્વેશ પટેલની ડભોઇ વિધાનસભામાં વધતી સક્રિયતા મુખ્યત્વે જવાબદાર હોવાનું મનાય છે. વર્ષોથી પક્ષ માટે પરસેવો પાડનારા જૂના અને વરિષ્ઠ કાર્યકરોમાં એવી લાગણી જન્મી છે કે નવા નેતૃત્વ હેઠળ તેમને યોગ્ય સન્માન મળી રહ્યું નથી. “અમને અહીં નહીં ફાવે” તેવી સ્પષ્ટ લાગણી સાથે જૂના કાર્યકરો કોંગ્રેસને અલવિદા કહી રહ્યા છે.
આ આંતરિક અસંતોષને કારણે જ 40 વર્ષથી વધુ સમય સુધી સિદ્ધાર્થ પટેલના પડછાયા સમાન રહેલા સાથીઓએ એક પછી એક સાથ છોડતા ડભોઇ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે. પ્રહલાદ પટેલે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની હાજરીમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો: VMC Election 2026: વડોદરા ભાજપમાં ટિકિટ માટે ‘મહાભારત’, તમામ દિગ્ગજોને ગાંધીનગર તેડાવ્યા
રાજકીય સમીકરણોમાં આવશે બદલાવ
પ્રહલાદ પટેલના ભાજપ પ્રવેશ પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકાસની નીતિથી પ્રભાવિત થઈને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેનાથી ડભોઇમાં સંગઠન વધુ મજબૂત બનશે."
બીજી તરફ, રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે સિદ્ધાર્થ પટેલના અંગત અને વિશ્વાસુ નેતાઓનું આ રીતે એક પછી એક ભાજપમાં જવું તે આગામી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે ખૂબ જ કપરા ચઢાણ સાબિત કરી શકે છે. ડભોઇના રાજકારણમાં હવે સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ રહ્યા છે, જેની સીધી અસર સમગ્ર જિલ્લાના રાજકારણ પર જોવા મળશે.
