પ્રશાંત ગજ્જર વડોદરા: ડભોઈ તાલુકાના ગોપાલપુરા ગામ નજીકના માર્ગ પર હાલ જ્યાં નજર પડે ત્યાં માત્ર લાલચટક ટામેટાના ઢગલા જોવા મળી રહ્યા છે. બજારમાં ટામેટાના ભાવમાં અચાનક મોટો ઘટાડો થતા અને ખેડૂતોને પૂરતું વળતર ન મળતા, નિરાશ થયેલા ધરતીપુત્રોએ પોતાના ખેતરમાં તૈયાર થયેલો પાક રસ્તા પર ફેંકી દેવાની ફરજ પડી છે.
ટામેટાના ભાવમાં ઘટાડો થયો
મળતી માહિતી મુજબ, થોડા દિવસો અગાઉ બજારમાં જે ટામેટા પ્રતિ કિલો રુ. 60 થી રુ. 70 ના ઊંચા ભાવે વેચાતા હતા, તેના ભાવમાં હાલ ભારે ઘટાડો નોંધાયો છે. વર્તમાન સમયમાં માર્કેટમાં ટામેટાનો ભાવ ગગડીને માત્ર રુ. 10 થી રુ. 12 પ્રતિ કિલો જેટલો નીચો આવી ગયો છે. ભાવમાં થયેલા આ અણધાર્યા ઘટાડાને કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ અને લાચારીની લાગણી પ્રવર્તી રહી છે.
બજારમાં યોગ્ય ભાવ નથી મળ્યા
આ મામલે સ્થાનિક ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે એક તરફ ઓછા વરસાદની સ્થિતિ રહી છે, તો બીજી તરફ ખેતી માટે જરૂરી બિયારણ અને ખાતરના ભાવ આસમાને પહોંચ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર-બિયારણનો ઉપયોગ કરીને તેમજ પરસેવો પાડીને મહામહેનતે ટામેટાનો પાક તૈયાર કર્યો હતો. પરંતુ, હવે જ્યારે પાક લણવાનો અને બજારમાં વેચવાનો સમય આવ્યો, ત્યારે બજારમાં યોગ્ય ભાવ મળી રહ્યા નથી.
ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો
ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં માર્કેટમાં મળતા રુ. 10 થી રુ. 12ના નજીવા ભાવમાં ટામેટા વીણવાની મજૂરી, મોંઘા ખાતર-બિયારણનો ખર્ચ કે પાકને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવાનું વાહન ભાડું પણ નીકળી શકે તેમ નથી. પાક વેચવા જતા ઉલટાનું ખિસ્સામાંથી નાણાં ચૂકવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
તૈયાર પાક રોડ પર ઠાલવી દીધો
આમ, સતત આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતા ખેડૂતોએ મજબૂર થઈને પોતાનો તૈયાર પાક ખેતરની બહાર ગોપાલપુરા રોડ પર ઠાલવી દીધો છે. ખેતીમાં વધતા જતા ખર્ચ અને સામે પૂરતા ભાવ ન મળવાને કારણે જગતના તાતની આર્થિક હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે, જેના કારણે ખેડૂત આલમમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
