ડભોઈની દેવ-ઢાઢર નદીમાં મગર આધેડને ખેંચી ગયાની આશંકા, બીજા દિવસે પણ ફાયર બ્રિગેડનું સર્ચ ઓપરેશન

ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસે બોટ અને ખાસ સાધનો વડે નદીમાં આધેડની તપાસ હાથ ધરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 22 Oct 2026 10:00 AM (IST)Updated: Thu, 22 Oct 2026 10:00 AM (IST)
dabhoi-dev-dhadhar-river-crocodile-attack-missing-makbul-garasiya-vadodara-rescue-operation

Dabhoi Crocodile Attack: વડોદરા નજીક આવેલા ડભોઈ તાલુકાના કડાધરા ગામ પાસે વહેતી દેવ-ઢાઢર નદીમાં ન્હાવા ઉતરેલા 55 વર્ષીય આધેડ પર મગરે હુમલો કરી પાણીમાં ખેંચી લીધાની આશંકા છે. આજે સતત બીજા દિવસે પણ શોધખોળ અભિયાન યથાવત રાખવામાં આવ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડ અને પોલીસની સંયુક્ત ટીમોએ નદીનો ખૂણે-ખૂણો ખૂંદી નાખ્યો, પરંતુ આધેડનો કોઈ ભાળ મળી શકી નથી.

પ્રાપ્ત વિગતો મુજબ, કડાધરા ગામના બારીયા ફળિયામાં વસવાટ કરતા મકબુલ મહંમદભાઈ ગરાસીયા બે દિવસ પૂર્વે ગામ નજીકના ગોઝાલી બ્રિજ પાસેથી પસાર થતી દેવ નદી તરફ ગયા હતા. તેઓ લાંબા સમય સુધી પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન નદી કિનારેથી મકબુલભાઈના પહેરેલા કપડાં મળી આવ્યા હતા.

પરિવારજનોએ અંદાજ લગાવ્યો કે, મકબુલભાઈ નદીમાં ન્હાવા ઉતર્યા હોય અને ત્યાં વસતા વિશાળ મગરોમાંથી કોઈએ તેમના પર પ્રાણઘાતક હુમલો કરી નદીના ઊંડા પાણીમાં ઢસડી ગયા હોઈ શકે. આ ઘટના સંદર્ભે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં જ રેસ્ક્યૂ ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી.

બુધવારે મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ સફળતા ન મળતા, આજે સવારથી જ ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક પોલીસે બોટ અને ખાસ સાધનો વડે નદીના પ્રવાહમાં ફરી તપાસ હાથ ધરી હતી. નદીમાં મગરોની મોટી સંખ્યા હોવાને કારણે રેસ્ક્યૂ કામગીરી ભારે જોખમી અને પડકારજનક બની રહી છે.

દેવ અને ઢાઢર નદીનો આ સંગમ મગરોનું કુદરતી રહેઠાણ માનવામાં આવે છે. સ્થાનિક રહીશો જણાવ્યા અનુસાર નદી કિનારે અવારનવાર મગરો માનવ વસવાટની નજીક આવી ચડે છે. આધેડના ગુમ થવાને બે દિવસ વીતીજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. હાલ તંત્ર દ્વારા નદીના આગળના નીચાણવાળા વિસ્તારોમાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.