Vadodara Cyber Fraud: વડોદરા શહેરમાં સાયબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી આચરવાના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તાજેતરમાં વાઘોડિયા રોડ પર રહેતા એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર વેપારીને ઓનલાઈન પ્રોડક્ટ્સનું રેટિંગ આપી નફો કમાવવાની લાલચ આપીને સાયબર ઠગોએ રૂ. 1.07 કરોડથી વધુની મસમોટી રકમ પડાવી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈની કંપની હોવાનું ખોટું જણાવી વેબસાઈટ મારફતે આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાઘોડિયા રોડ પર આવેલી માનવ મંદિર સોસાયટીમાં રહેતા કમલેશકુમાર ભીખુભાઈ પટેલ (56) 'ડિજિટલ ટીમ નેટવર્ક'ના નામે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનો વેપાર કરે છે. ગત 4 સપ્ટેમ્બર, 2026ના રોજ તેમણે 'Ourshopeglobal.com' વેબસાઈટના કસ્ટમર સર્વિસનો સંપર્ક કર્યો હતો. તે દરમિયાન સાયબર ઠગોએ વિદેશી વોટ્સએપ નંબર પરથી સંપર્ક સાધી પોતાની કંપની દુબઈની હોવાનું અને તેમાં રોકાણ કરવાથી ભારે વળતર મળતું હોવાનું જણાવી વેપારીને જાળમાં ફસાવ્યા હતા.
ઠગોએ વેપારીને વેબસાઈટ પર એક ડેમો એકાઉન્ટ બનાવી આપી વોલેટમાં આપેલા નાણાંથી અલગ-અલગ પ્રોડક્ટ્સના ઓર્ડર બુક કરી રેટિંગ આપવાનું કામ સોંપ્યું હતું. વિશ્વાસ કેળવવા માટે શરૂઆતમાં આરોપીઓએ વેપારીના બેંક ખાતામાં રૂ. 37,038નું વળતર જમા પણ કરાવ્યું હતું. આ નાણાં સરળતાથી ઉપાડી શકાતા વેપારીનો પ્લેટફોર્મ પર વિશ્વાસ બેસી ગયો હતો.
આ વિશ્વાસનો લાભ લઈને ઠગોએ વિવિધ બહાનાં આગળ ધરી વેપારી પાસેથી તબક્કાવાર કુલ રૂ. 1,07,16,061 રોકાવી લીધા હતા. કૌભાંડીઓની વેબસાઈટના વોલેટમાં રૂ. 1,64,35,475નું જંગી બેલેન્સ અને નફો દર્શાવવામાં આવતો હતો. જોકે જ્યારે વેપારીએ આ રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે કસ્ટમર કેર દ્વારા ટેક્સ કે અન્ય અલગ-અલગ બહાનાં ધરી વધુ નાણાંની માંગણી કરવામાં આવી હતી. અંતે પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનું ધ્યાને આવતા વેપારીએ તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી.
