વડોદરા મંડળે તહેવારોમાં મુસાફરો માટે દોડાવી 37 સ્પેશિયલ ટ્રેન, પ્લેટફોર્મ પર હોલ્ડિંગ એરિયા અને મેડિકલ ટીમો તૈનાત

દિવાળી અને છઠ પૂજામાં મુસાફરોના ઘસારાને પહોંચી વળવા વડોદરા મંડળે 37થી વધુ સ્પેશિયલ ટ્રેન ટ્રિપ્સ ચલાવી. પ્લેટફોર્મ 6 પર ખાસ હોલ્ડિંગ એરિયા અને 24 કલાક સુરક્ષા સુવિધા ઉપલબ્ધ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 03 Nov 2026 07:49 PM (IST)Updated: Tue, 03 Nov 2026 07:49 PM (IST)
vadodara-railway-37-plus-special-trains-for-diwali-and-chhath

Diwali Special Trains 2026: દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડને સુચારૂ રીતે નિયંત્રિત કરવા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અગ્રતા આપતાં મંડળે યુપી, બિહાર, કોલકાતા, ઉત્તર અને દક્ષિણ ભારત તરફ જતી ૫ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોની 37થી વધુ ટ્રિપ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ જ શ્રેણીમાં આગામી 5 નવેમ્બરથી ઉત્તરાણ રેલવે સ્ટેશનથી લાલકુઆં માટે પણ નવી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

મુખ્ય સ્ટેશનો પર વરિષ્ઠ અધિકારીઓની ખાસ ડ્યૂટી

મંડળ રેલ પ્રબંધક (DRM) રાજુ ભડકેના સીધા માર્ગદર્શન હેઠળ વડોદરા અને છાયાપુરી રેલવે સ્ટેશન ખાતે વરિષ્ઠ અધિકારીઓને વિશેષ ડ્યૂટી પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા જેવા મુખ્ય સ્ટેશનો પર પણ ભીડને કાબૂમાં રાખવા વધારાના કર્મચારીઓ તૈનાત કરાયા છે.

ભીડ નિયંત્રણ માટે 350 ચોરસ મીટરનો વિશાળ ‘હોલ્ડિંગ એરિયા’

જનસંપર્ક અધિકારી ખેમરાજ મીનાના જણાવ્યા મુજબ, સ્ટેશનો પર અણધારી ભીડ એકઠી ન થાય તે માટે ખાસ ‘હોલ્ડિંગ એરિયા’ તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર 350 ચોરસ મીટરનો વિશાળ હોલ્ડિંગ એરિયા ઊભો કરાયો છે, જ્યાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા, પંખા, પીવાનું શુદ્ધ પાણી અને મોડ્યુલર શૌચાલય જેવી સગવડો પૂરી પાડવામાં આવી છે.

24 કલાક સીસીટીવી નજર અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્લેટફોર્મ, ટિકિટ બારીઓ, કોન્કોર્સ હોલ અને ફૂટ ઓવર બ્રિજ પર 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. રેલવે સુરક્ષા બળ, જીઆરપી અને હોમગાર્ડના જવાનો સ્ટેશન પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. તેમજ જનરલ કોચમાં ચઢવા માટે મુસાફરોની શિસ્તબદ્ધ લાઈન બનાવવામાં આવી રહી છે.

હેલ્પ ડેસ્ક અને મેડિકલ ઈમરજન્સી માટે 24 કલાક તબીબી ટીમ

મુસાફરોના માર્ગદર્શન માટે ફ્રન્ટ લાઈન સ્ટાફ દ્વારા ‘હેલ્પ ડેસ્ક’ કાર્યરત કરાયા છે અને લાઉડસ્પીકર દ્વારા સતત ટ્રેન સમયપત્રક તથા સુરક્ષા સૂચનાઓની જાહેરાત થઈ રહી છે. કોઈપણ મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે સ્ટેશનો પર વિશેષ તબીબી ટીમો પણ ચોવીસે કલાક ખડેપગે રાખવામાં આવી છે.