વડોદરા રેલવે સ્ટેશન પર ગત મોડી રાત્રે સાયરન ગુંજી ઉઠ્યું: રતલામ-ગોધરા સેક્શનમાં ગુડ્સ ટ્રેનના ડબ્બા પટરીથી નીચે ઉતર્યા

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 03 Nov 2026 11:51 AM (IST)Updated: Tue, 03 Nov 2026 11:51 AM (IST)
vadodara-railway-station-siren-ratlam-godhra-section-goods-train-derailed

Vadodara Goods Train Derailed: ગત મોડી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પર અચાનક ઇમરજન્સી સાયરન ગુંજી ઉઠતા મુસાફરોમાં ભારે અસમંજસ અને અવાક થઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. મધ્યરાત્રિના શાંત વાતાવરણમાં વાગેલા આ સાયરનને કારણે પ્લેટફોર્મ પર ઉપસ્થિત મુસાફરો અને નાગરિકો થોડી ક્ષણો માટે ચિંતામાં મુકાઈ ગયા હતા કે સ્ટેશન પર કોઈ મોટી ઘટના ઘટી છે. જો કે, થોડી જ વારમાં આ સાયરન કોઈ આપત્તિજનક કે ભયજનક ઘટના નહીં, પરંતુ પશ્ચિમ રેલવેના રતલામ મંડળ અંતર્ગત બનેલી એક અકસ્માતની ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા એલર્ટ જારી કરવા માટેનું હોવાનું સ્પષ્ટ થયું હતું.

વેગનો પટરીથી નીચે ઉતરી ગયા

પ્રાપ્ત વિગતો અનુસાર, રતલામ અને ગોધરા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા મંગલ મોવડી (મંગલ મહુડી) સ્ટેશન પાસે એક માલગાડી ના કેટલાક વેગનો અચાનક પટરીથી નીચે ઉતરી ગયા હતા. આ અકસ્માતના કારણે આ રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થવાની સંભાવના ઊભી થઈ હતી અને તાત્કાલિક રાહત તથા બચાવ કામગીરી હાથ ધરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. રેલવેના નિયમો અને પ્રોટોકોલ અનુસાર, કોઈ પણ વિભાગીય આપત્તિ કે મોટા અકસ્માત સમયે સંબંધિત કંટ્રોલ રૂમ અને ડિવિઝનલ હેડક્વાર્ટરને ત્વરિત સાવચેત કરવા માટે સાયરન વગાડવાની વ્યવસ્થા હોય છે, જેના ભાગરૂપે વડોદરા રેલવે સ્ટેશન પર પણ સાયરન ગુંજી ઉઠ્યું હતું.

વડોદરા સ્ટેશનના કર્મચારીઓ સતર્ક

ટ્રેનની સાયરનનો અવાજ સાંભળતા જ વડોદરા રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા તમામ રેલવે અધિકારીઓ, સુરક્ષા જવાનો (RPF અને GRP) તેમજ ઓપરેશનલ કર્મચારીઓ તક્ષ ક્ષણે સતર્ક થઈ ગયા હતા. કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે વડોદરા ડિવિઝનનું તંત્ર યુદ્ધના ધોરણે સક્રિય બન્યું હતું. અકસ્માત સ્થળ પર તાત્કાલિક રાહત પહોંચાડવા માટે વડોદરા રેલવે વિભાગની સ્પેશિયલ મેડિકલ રેસ્ક્યુ વાન અને અકસ્માત રાહત ટ્રેન (ART) ની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવી હતી. આ ટીમમાં તબીબી નિષ્ણાતો, એન્જિનિયરિંગ સ્ટાફ અને અદ્યતન બચાવ સાધનોનો સમાવેશ થાય છે.

જાનહાનિનો કોઈ અહેવાલ નથી

ઘટનાની જાણ થતાં જ વડોદરા રેલવે ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક થઈ ગયા હતા અને પરિસ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા હતા. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગલ મોવડી પાસે બનેલી આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થયાના અહેવાલ નથી, પરંતુ માલગાડીના ડબ્બા ખડી પડવાથી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો, જેને પૂર્વવત કરવા માટે રેલવેના ટ્રેક રિપેરિંગ અને રેસ્ક્યુ યુનિટ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્રવાસીઓમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો

વડોદરા રેલવે સ્ટેશન પર મોડી રાત્રે અચાનક સાયરન વાગવાથી પ્રવાસીઓમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો, પરંતુ રેલવે તંત્રની ત્વરિત કાર્યવાહી અને સચોટ આયોજનને કારણે મુસાફરોને પણ ટૂંક સમયમાં જ સમગ્ર પરિસ્થિતિની સાચી માહિતી મળી ગઈ હતી, જેનાથી રાહત અનુભવાઈ હતી. રેલવે વિભાગ દ્વારા આ પ્રકારની કટોકટીની સ્થિતિમાં દર્શાવવામાં આવેલી તત્પરતા અને ઝડપી પ્રતિસાદ પ્રશંસનીય રહ્યો હતો.