Vadodara Local News: વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર બે પિસ્તોલ અને 11 કારતૂસો લઈને વેચવા માટે ફરી રહેલ એક ઈસમની ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે ધરપકડ કરી હતી અને પિસ્તોલ તેમજ કારતુસ આપનાર ઈસમને વોન્ટેડ જાહેર કરી બને ઈસમો વિરુદ્ધ નવાપુરા પોલીસ મથક ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, નવાપુરા વિસ્તારમાં આવેલ નિકુંજ એપાર્ટમેંન્ટ રહેતો 28 વર્ષીય કુણાલ ઉર્ફે આત્તુ ભુપેંદ્રભાઇ પટેલ પોતાના કમરના ભાગે બે પિસ્તોલ જેવા હથીયાર ભરાવી ખીસ્સામાં કારતુસ લઈને વેચાણ કરવા ફરી રહ્યો છે અને હાલ તે નવાપુરા શિયાબાગ ચાર રસ્તા પાસે ઉભેલ હોવાની બાતમી પોલીસને મળી હતી.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ તરત નવાપુરા શિયાબાગ ચાર રસ્તા પાસે પહોંચી ગઈ હતી અને બાતમી મળેલ ઈસમને શોધી કાઢી તેની અંગઝડતી કરતા કમરના ભાગેથી અગ્નીશસ્ત્ર હથીયાર પિસ્તોલ નંગ-02 તથા પેન્ટના ખીસ્સામાંથી કારતુસ નંગ-11 ફુટેલા કારતુસ નંગ-01 ખાલી કેસીસ-03 તથા મોબાઇલ ફોન-01 મળી આવ્યાં હતાં.
પોલીસે કુણાલ ઉર્ફે આત્તુ ભુપેંદ્રભાઇ પટેલ પાસે પિસ્તોલ તેમજ કારતુસ રાખવા લાયસન્સ કે પરવાના અંગે પુછતા કૃણાલે પોતાની પાસે પિસ્તોલ રાખવાનું કોઈ લાયસન્સ કે પરવાનો નહી હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં આ પિસ્તોલ અને કારતુસ કૃણાલે નવાપુરા વિસ્તારમાં શક્તિકૃપા સોસાયટીમાં રહેતો નિકુંજ વરસડા પાસેથી લીધી હોવાનું તેણે કબુલ્યું હતું પોલીસે કૃણાલ પટેલની ધરપકડ કરી નિકુંજ વરસડાને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
